Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રૈયાણી હત્યા કેસ : જયરાજસિંહને ગુજરાતમાં પ્રવેશવાની બહાલી

જયરાજસિંહ જાડેજાને સુપ્રીમમાં રાહત મળી : ગુજરાતમાં પ્રવેશવાની મંજુરી મળતા સમર્થકો ઉત્સાહિત

અમદાવાદ, તા.૨ :  સને ૨૦૦૪માં નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજે સુપ્રીમકોર્ટમાંથી રાહત મળી હતી. સુપ્રીમકોર્ટે આજે જયરાજસિંહ જાડેજાને ગુજરાત રાજયમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. અગાઉ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી પહેલા હાઇકોર્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને દોષિત કરાર કરી આજીવન કેદની સજા ફરમાવાઇ હતી. દરમ્યાન જયરાજસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અંગે અરજી કરી હતી. જેમાં ગુજરાત બહાર રહેવાની શરતે જયરાજસિંહ જાડેજા સહિતનાનો જામીન પર છૂટકારો થયો હતો. સજા સામેની અપીલ સુપ્રીમકોર્ટમાં પડતર છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશવા માટેની મંજૂરી આપી હતી અને એક પ્રકારે તેને રાહત આપી હતી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગુજરાત રાજયમાં પ્રવેશવાની મંજૂરી મળતા જ ગોંડલમાં તેના નિવાસસ્થાન બહાર તેના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જેમાં સમર્થકોએ જણાવ્યું હતું કે, આ ખુશીન પળ છે, અમે છેલ્લા ઘણા સમયથી જયરાજસિંહ જાડેજાની ગોંડલમાં આવવા માટેની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ખુશીના સમાચાર આપ્યા છે જેને અમે વધાવી રહ્યા છીએ. આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૦૦૪ની રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી યુટિલિટી જીપમાં પસાર થઇ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઇ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી. આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વઆયોજિત કાવતરું રચીને હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

(12:32 am IST)