Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિવાળીમાં ડોકટર ઓન કોલની સેવા ઉપલબ્ધ બનાવવા તૈયારી

૫-૧૨ વચ્ચે ડોકટરો દર્દીઓની સેવામાં ખડેપગે : સતત નવમા વર્ષમાં નાગરિકોના હિતમાં સેવા ચાલુ રખાશે

અમદાવાદ,તા. ૨ :  દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિઅશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત નવમાં વર્ષે દર્દીઓ માટે તા. ૫ નવેમ્બરથી તા. ૧૨ નવેમ્બર,૨૦૧૮ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે.  જેને પગલે દિવાળીના તહેવારો દરમ્યાન આ દિવસોમાં નાગરિકોની સેવા અને ઇમરજન્સી સારવાર માટે ડોકટરો ખડેપગે સેવામાં તૈનાત રહેશે એમ અત્રે અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. મેહુલ એન.શેલત અને સેક્રેટરી ડો.કીરીટ ગઢવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ ફેમીલી ફિઝિશીયન્સ એસોસીએશનના પ્રમુખ ડો.જયોતિન્દ્ર સી.મહેતા અને સેક્રેટરી ડો.કમલેશ નાયકે જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા નવ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે. દરમ્યાન ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે, એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો અમદાવાદ મેડિકલ એસોસીએશન.કોમ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ બનાવાઇ છે. નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે. દર્દીઓ તેમની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે ડોકટરોની સેવા પ્રાપ્ત કરી શકશે. ડોકટરોને પણ દિવાળીના તહેવારોમાં દર્દીઓની સેવામાં તત્પર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(9:56 pm IST)