Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબ અને ગુજરાતની ગરિમા ઉન્નત કરી છે : યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ નિહાળ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર મુલાકાત વેળાએ સાથે રહી યોગી આદિત્યનાથજીને વિગતો પૂરી પાડી

 ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા. 

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. 

 ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. 

 તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું. 

 યોગી આદિત્યનાથજીએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યુ કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે. 

 સરદાર સાહેબની કલ્‍પનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસના ઘ્‍વાર ખોલી આપ્‍યા છે. એવી આ ભુમિના સ્‍થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

(7:53 pm IST)