Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વઘાસી નેશનલ હાઇવે પર રસ્તો ઓળંગતા આધેડનું કારની હડફેટે કમકમાટી ભર્યું મોત

વઘાસી:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વઘાસી પાસે ગઈકાલે સાંજના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડને ફોર વ્હીલરે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આણંદ રૂરલ પોલીસે આ અંગે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા ફોર વ્હીલરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના અંબાલાલ પાર્કમાં રહેતા બાબુભાઈ ધુળાભાઈ ભોઈ (ઉ. વ. ૫૮)ગઈકાલે કામ અર્થે પોતાના સંબંધીને ત્યાં આવ્યા હતા અને કામ પતાવીને પરત જવા માટે વઘાસી ગામે આવેલ ગણેશ ઓટો ફ્યુઅલ પેટ્રોલ પંપ સામેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલરે ટક્કર મારતાં તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટ્યા હતા.
ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

(5:08 pm IST)