Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદના આનંદ નગરમાં ચાઈલ્ડ હેલ્પ લાઈનની મદદથી બે સગીર છોકરીઓને કામ માંથી મુક્તિ અપાવાઈ

અમદાવાદ:આનંદનગર વિસ્તારમાં અગ્રવાલ એપાર્ટમેન્ટમાં રહેતાં શિતલબહેન (ઉં.૪૩) (બચપણ બચાવો) સંસ્થાના સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે સક્રિય છે. ગત સોમવારે તેમને જાણકારી મળી કે, આનંદનગર ચાર રસ્તા પાસે શિવાલીક બંગલોમાં સગીર છોકરીઓને ઘરઘાટી તરીકે કામ કરાવવામાં આવે છે.  જેના પગલે મંગળવારે શિતલબહેને ચાઈલ્ડ હેલ્પ લાઈનને જાણ કરી હતી.

ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમ સાથે શિતલબહેન બુધવારે બપોરે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમે બનાવ જાણ કરીને આનંદનગર પોલીસને બોલાવી હતી.પોલીસ ટીમે સાથે શિવાલીક બંગલોના ૬૮ નંબરના મકાનમાં તેઓ પ્રવેશ્યા હતા. આ સ્થળ પર ૧૪ વર્ષની સગીર છોકરી વિજ્યા (નામ બદલ્યું છે)ઘરકામ કરતાં મળી આવી હતી. પોલીસે તેને સ્થળ પરથી છોડાવ્યા બાદ વિજ્યા થકી જાણવા મળ્યું કે ૬૯ નંબરના મકાનમાં પણ બીજી એક સગીર છોકરીને ઘરઘાટી તરીકે કામ કરાવવામાં આવે છે.

પોલીસે શિવાલીક બંગલોના ૬૯ નંબરના મકાનમાંથી ૧૭ વર્ષની સગીર છોકરી તન્હા (નામ બદલ્યું છે.)ને પણ છોડાવી હતી. બાદમાં આ બંને સગીર છોકરીઓની પૂછપરછમાં તેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની વતની હોવાનું જાણવામળ્યું હતું. વિજ્યા અને તન્હાના નિવેદન લઈને ઓઢવ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. પોલીસની વિગતો મૂજબ એક છોકરીને તેના કૌટુંબીક ફોઈ શહેરમાં લઈને આવ્યા હતા.
 

(4:52 pm IST)