Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

'૮ હજાર જમા કરાવો અને ગાડી મેળવો' : ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયાના નામે કૌભાંડ

સુરતના ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયાના નામે ફેક ફેસબુક આઇડી બનાવીને આ સ્કિમ મૂકવામાં આવી

સુરત તા. ૨ : ડાયમંડ કિંગ કહેવાતા સુરતના સવજીભાઈ ધોળકિયાના નામે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો એક બનાવ સુરત ક્રાઇમ બ્રાંચના ચોપડે નોંધાયો છે. આ મામલે ખુદ સવજીભાઈ ધોળકિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું સહિતની વિગતોની હાલ ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના નામે ફેક ફેસબુક આઈડી ખોલીને એક સ્કિમ ચલાવવામાં આવી છે. સ્કિમમાં કહેવામાં આવ્યું છે કે રૂ. આઠ હજાર જમા કરાવો અને સ્વિફટ ગાડી મેળવો. એટલું જ નહીં સસ્તામાં ગાડી આપવાની જાહેરાત કરનાર ભેજાબાજે બેન્કનો એકાઉન્ટ નંબર પણ પોસ્ટ કર્યો છે.

આ વાત હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજીભાઈ ધોળકિયાના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને કૌભાંડીની ધરપકડ કરવાની માંગણી કરી છે.

આ વાત  સૌપ્રથમ હરેકૃષ્ણ ડાયમંડના એક કર્મચારીને ધ્યાનમાં આવી હતી. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સવજી ધોળકિયાના નામે ચાર ફેક આઈડી બનાવવામાં આવ્યા છે. તેમજ આ આઇડી પર તેમના ફોટોગ્રાફસ અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. સાથે એક વોટ્સએપ નંબર પર આપવામાં આવ્યો હતો. આ વોટ્સએપ નંબર પર સંપર્ક કરવામાં આવતા લોભામણી સ્કિમના ઓડિયો મોકલવામાં આવતા હતા.

નોંધનીય છે કે હરેકૃષ્ણ ડાયમંડના સવજીભાઈ ધોળકિયા પોતાની દરિયાદિલી માટે જાણીતા છે. તેમણે તાજેતરમાં જ દિવાળી ગિફટ સ્વરૂપે તેમના ૬૦૦ કર્મચારીઓને ગાડી ભેટમાં આપી હતી. તેઓ દર વર્ષે તેમને કર્મચારીઓને બોનસના સ્વરૂપમાં કાર કે મકાન આપતા રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે તેમના ત્રણ મેનેજરને લકઝુરિયસ મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.

(3:38 pm IST)