Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ધો. ૪નાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં પૂછાયો ડીઝલનો ભાવ

અમદાવાદ તા. ૨ : છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાઇ રહ્યાં છે. ત્યારે જે લોકો પેટ્રોલ કે ડીઝલ પુરાવે છે તેમને પણ રોજના ભાવની જાણ હોતી નથી. ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૪ના પ્રશ્નપત્રમાં બાળકોને ડીઝલનો ભાવ પૂછવામાં આવ્યો હતો.રાજયભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩થી ૮ની પરિક્ષા ચાલું છે. જેમાં ધોરણ ૪માં ગણિત વિષયના પ્રશ્નપત્રમાં બાળકોને પેટ્રોલપંપનું એક ચિત્ર આપવામા આવ્યુ હતુ. જેમાં બાળકોએ ૧ લિટર ડીઝલનો ભાવ કેટલો છે, બસમાં ૫૦ ડિઝલ લિટર પુરાવ્યુ હોય તો કેટલા રૂપિયા થાય, ૫૦ લિટર ડિઝલ પુરાવાતા ૨ મિનિટ થાય તો ૧૦૦ લિટર પુરાવાતા કેટલી મિનિટ લાગે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત કોર્પોરેશનની શાળામાં અપાયેલા પ્રશ્નપત્ર સારી રીતે પ્રિન્ટ પણ થયું ન હતું. જેના કારણે પ્રશ્નમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું હતું તે પણ દેખાતું ન હતું. વિદ્યાર્થીઓ પંપના ડીઝલના ખાનામા કેટલો ભાવ છે તે વાંચી જ શકયા ન હતા. જેના કારણે જવાબ લખવામાં પણ અક્ષમ રહ્યાં હતાં.

શિક્ષકોએ પણ ફરિયાદ કરતા કહ્યું હતું કે, 'ગ્રામ્ય વિસ્તારની સરકારી સ્કૂલોના બાળકો માટે ગણિતનું પેપર અઘરૂ અને લાંબુ હતુ જેના કારણે બાળકો જવાબો લખી શકયા ન હતા.'

(11:54 am IST)