Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

યુરોપીયન કમિશન અલંગની મુલાકાતે : શ્રી રામ ગ્રુપના શિપ રિસાઇકલીંગ યાર્ડને આપ્યું પ્રથમ સ્થાન

ભારતમાં શિપ રિસાઇકલીંગ ઉદ્યોગનું રૂપાંતર થવાના માર્ગ ખુલ્યા

અમદાવાદ તા. ૨ : ભારતમાં પ્રથમવાર યુરોપીયન કમિશને (ઈસી)એ અલંગની મુલાકાત લઈને ૧૧ ભારતીય યાર્ડસમાંથી બેનું યુલ્યાંકન કર્યું હતું, કે જયાં ઈયુનાં મુખ્ય વેસલ્સને ભાગવામાં આવે છે. ઓડિટ કરવામાં આવેલા બે ભારતીય યાર્ડસમાં શ્રી રામ ગ્રુપનાં પણ એક યાર્ડનો સમાવેશ થાય છે.અલંગ શિપ બ્રેકીંગ યાર્ડસમાં ૧૫,૦૦૦થી પણ વધુ લોકોને રોજગારી મળે છે. યુરોપીયન કમિશનની અલંગ મુલાકાત અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ માટે સિમાચિહ્રનરૂપ છે. કારણકે અલંગમાં પરંપરાગત રીતે મોટાભાગે જહાજ ભાંગવામાં અસલામત પ્રક્રિયાઓ થાય છે, જેનાથી માનવજીવન અને પર્યાવરણને નુકશાનનો મોટો ખતરો રહે છે.

શ્રી રામ ગ્રુપનાં માલિક અને ડાયરેકટર શ્રી ચેતન પટેલે જણાવ્યું હતું કે, ઈસીનું ઓડિટ સુચવે છે કે ઈયુ માટે આ યાર્ડસમાં શિપબ્રકીંગ પ્રક્રિયામાં થઈ રહેલી પ્રગતિ સંતોષજનક અને પર્યાપ્ત છે. અમે પરંપરાગત સબસ્ટાન્ડર્ડ કાર્યપધ્ધતિમાંથી પરિવર્તીત થઈ રહ્યા છીએ અને જવાબદાર તેમજ કોમર્શિયલ શિપ રિસાઈકલીંગ યાર્ડ બની રહ્યા છીએ.

શ્રી ચેતન પટેલે જણાવ્યું છે કે, અમે ફ્રન્ટ યાર્ડને લંબાવ્યો છે, તેમજ બેક યાર્ડમાં બાંધકામ કર્યું છે. ઉપરાંત ૩૦૦ ટનની ક્રેન્સ પણ લાવવામાં આવી છે. બ્રેકીંગ પ્રક્રિયાને અમે એવી રીતે કાર્યાન્વિત કરી છે કે તેમાં પ્રાયમરી કટિંગનાં બ્લોકસ અને ઈન્ટરટાઈડલ ઝોન વચ્ચેનો સંપર્ક દૂર થાય. વધારામાં અમે તે પણ નિશ્યિત કર્યું છે કે બીજી અને ત્રીજી હરોળનાં કટિંગ માત્ર ચુસ્ત કિલ્લેબંદી જેવા ફલોર્સમાં જ થાય. અમે કોન્ટ્રાકટસ અને લઘુત્ત્।મ વેતનોના આઈએલઓનાં ધોરણો પ્રમાણે કામદારોને હાઉસિંગની સુવિધા પણ પૂરી પાડી છે.

શ્રી ચેતન પટેલે જણાવ્યું કે ઈયુની બહારનાં ૨૦થી પણ વધુ શિપયાર્ડસને ઈયુ લિસ્ટમાં સમાવિષ્ટ થવા અરજી કરી છે. અત્યાર સુધીમાં માત્ર એક યુએસ યાર્ડ અને બે ટર્કિસ યાર્ડસની જ ઈસીનાં સભ્યો દ્વારા મુલાકાત શકય બની છે. મને વિશ્વાસ છે કે યુરોપ તેનાં એપ્લીકન્ટસને સમાન તકો પૂરી પાડશે અને મારા યાર્ડનો ૨૦૧૯માં સમાવેશ કરશે. ઈસીનાં મુલ્યાંકનને જાણવા અમે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ.(૨૧.૧૦)

(11:35 am IST)