Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ઓ.. હો.. હો... ટેન્ટનું ભાડુ ૪,૫૦૦ થી ૨૪,૦૦૦

ફૂડ કોર્ટના વિવિધ સ્ટોલમાં ચાના રૂ. ૨૦, ૪ થેપલાના રૂ. ૫૦

અમદાવાદ તા. ૨ : વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે ટેન્ટ સિટી તૈયાર કરાઈ છે. બે નાઈટ અને ત્રણ દિવસના રોકાણ માટેનુ ટેન્ટનુ ભાડુ રૂ. ૪૫૦૦થી લઈને રૂ. ૨૪૦૦૦ સુધીનુ છે. જેમાં પ્રીમિયમ એ.સી. ટેન્ટનુ ભાડુ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલના લકઝરીયસ રૂમ કરતાં પણ મોંઘુ છે. તે ભાડા ઉપરાંત ૧૮ ટકા જીએસટી તો અલગથી જ ભરવાનુ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે તળાવ કિનારે ટેન્ટ સિટી ઊભી કરાઈ છે. જેમાં વીઆઈપી અને જનરલ એમ બે પ્રકારના ટેન્ટ બનાવાયા છે. જે બન્ને અલગ અલગ સ્થળે સ્થિત છે. જે વીઆઈપી ટેન્ટ છે. જેમાં પ્રીમિયમ એસી અને ડીલક્ષ એસી ટેન્ટ છે. જયારે સામાન્ય ટેન્ટ છે તે નોન એસી ટેન્ટ છે. જેમાં સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટ છે.

વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, એક નાઈટ અને બે દિવસનુ પેકેજ છે તેમાં સ્ટાન્ડર્ડ નોન એસી ટેન્ટમાં સિંગલ સેરીંગનુ ભાડુ રૂ. ૪૫૦૦ છે અને તેની ઉપર ૧૮ ટકા જીએસટી ચૂકવવુ પડશે. જે ત્યાંના બે પેકેજમાં સૌથી સસ્તુ આ જ ભાડુ છે. જયારે કપલ ટેન્ટ લો તો રૂ. ૬૦૦૦માં પડશે અને જીએસટી અલગથી ભરવો પડશે. જયારે ડીલક્ષ એસીમાં સિંગલ સેરીંગમાં રૂ. ૬૭૫૦ અને કપલ માટે રૂ. ૯૦૦૦ ભાડુ છે. જયારે પ્રીમિયમ એસી ટેન્ટમાં સિંગલ માટે રૂ.૯૦૦૦ અને કપલ માટે રૂ.૧૨૦૦૦નુ ભાડુ છે. નવાઈની વાત તો એ છે કે, ત્યાંના પેકેજ-૧માં બે દિવસ અને ત્રણ રાત માટે પ્રીમિયમ એસી ટેન્ટનુ ભાડુ આંખો ફાડી નાખે તેવુ છે. તેમાં સિંગલ સેરીંગ માટે  ટેન્ટ રૂ. ૧૮૦૦૦ અને ઉપરાંત ૧૮ જીએસટી ભરવો પડશે અને કપલ માટે રૂ. ૨૪૦૦૦ અને ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. આમ તો મુંબઈની ફાઈવ સ્ટાર હોટલના લકઝરીયસ રૂમનુ બે રાત્રી અને ત્રણ દિવસનુ ભાડુ રૂ.૧૬૦૦૦થી રૂ.૨૨૦૦૦ સુધી ચાલે છે. તેના કરતા પણ વીઆઈપી ટેન્ટ મોંઘા છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, ફલાવર ઓફ વેલી, મ્યુઝિયમ વિગેરે જોવાની ફી રૂ. ૩૫૦ રાખવામાં આવી છે. જે બાબતે પણ લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે. લોકોમાં એવી ચર્ચા થવા લાગી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવાના રૂ. ૩૫૦ અપાય ? આ ફીનુ ધોરણ વધારે હોવાનુ ચર્ચાય છે. એક અંદાજ  મુજબ પતિ તેની પત્ની, બે સંતાનો અને માતા-પિતાને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવા લઈ જાય તો તેને રૂ.૨૧૦૦નો ખર્ચ માથે આવે. જે વધારે કહી શકાય. જેથી આ ફીનુ ધોરણ ઘટાડવામાં આવે તે આવશ્યક છે.

પરિસરમાં ફૂડકોર્ટ શરૂ કરાયો છે. જયાં કોલ્ડ્રીંંકસના ૩૦ રૂપિયા, ચા એક કપના ૨૦ રૂપિયા છે. ૪ થેપલાના ૫૦ રૂપિયા, ખમણ ૧૨૫ ગ્રામના ૫૦ રૂપિયા, સેવખમણી ૧૨૫ ગ્રામના ૫૦ રૂપિયા છે. સરદાર પટેલના જીવન પરની બુક રૂપિયા ૧૫૦ તેના પર એમઆરપીને જીએસટી લાગશે. ટોપીના ૧૪૫, શર્ટ ૪૦૦ અને ૫૨૦ રૂપિયામાં મળી રહી છે.(૨૧.૩)

 

(9:56 am IST)