Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : અપના દળના કાર્યકરોને મફત પ્રવેશ

સ્થાનિક લોકો અને સંબંધિતોમાં નારાજગીનું મોજુ : રહેવાસીઓને વિનામૂલ્યે પ્રતિમા નિહાળવા માટે જાહેરાત છતાં ફી વસૂલાતાં વિવાદ : ઓનલાઇન બુકીંગમાં ફરિયાદો

અમદાવાદ, તા.૧ : દેશના વડાપ્રધાને વિશ્વની સૌથી ઊચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ આજથી સરકારની જાહેરાત મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સ્થાનિકો સહિત પ્રવાસીઓની શરૃઆત થઇ ગઇ છે. સ્થાનિક રહેવાસીઓને વિનામૂલ્યે પ્રતિમા નિહાળવાની સરકારની જાહેરાત છતાં ફી વસૂલાતાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો તો, એનડીએના સાથી પક્ષ અપના દળના ૧૫૦૦ કાર્યકરોને વિનામૂલ્યે પ્રવેશ અપાતાં લોકોએ તંત્રની વ્હાલાદવલાની નીતિને લઇ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આજથી શરૃઆત ધીમી અને પ્રવાસીઓની હાજરી પાંખી જણાતી હતી પરંતુ આવનારા દિવસોમાં પ્રવાસીઓનો આ આંક ઘણો વધે તેવી પૂરી શકયતા છે. વિશ્વ સ્તરે ટુરિઝમ પ્લેસ તરીકે તૈયાર કરાયેલા કેવડિયા ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ આ પ્રતિમાને નિહાળી શકે તેના માટે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા એક વેબસાઈટ એસઓયુટિકિટ્સ.કોમ તૈયાર કરવામાં આવી છે. જેથી પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝિટ કરી શકે. પણ ઓનલાઈન બુકિંગ માટે તમામ વિગતો ભર્યા બાદ પેમેન્ટનો ઓપ્શન જ નથી બતાવતો. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઓનલાઈનમાં બુકિંગમાં બબાલ ઉભી થઇ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો પ્લાન બનાવી રહ્યાં છો પણ તેને જોઈ શકશો નહીં, કારણ કે, એસઓયુટિકિટ્સ.કોમ પર ઓનલાઈન બુકિંગ કરતી વખતે ટેક્નિકલ એરર આવી રહી છે. બુકિંગની તમામ વિગતો ભર્યા બાદ પેમેન્ટનું ઓપ્શન જ નથી બતાવતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેટલાક સ્થાનિક રહેવાસીઓ સહિતના પ્રવાસીઓ આજે પ્રતિમા નિહાળવા ઉમટયા હતા. જો કે, ટિકિટની ફીની રકમને લઇ કેટલાક પ્રવાસીઓમાં ઉંચી ફી રખાઇ હોવાનો રોષ વ્યકત કર્યો હતો. તો, બીજીબાજુ, સ્થાનિક રહેવાસીઓએ પણ ગઇકાલે ખુદ સરકારના સત્તાવાળાઓએ અહીંના સ્થાનિકોને નિઃશુલ્ક પ્રવેશ આપી પ્રતિમા નિહાળવાની તક પૂરી પાડવાની જાહેરાત કરાઇ હતી, છતાં આજે તેઓની પાસેથી પણ ફીની રકમ વસૂલાતાં સ્થાનિક રહેવાસીઓએ પણ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને ભારોભાર નારાજગી સરકારના સત્તાવાળાઓ પરત્વે વ્યકત કરી હતી. જો કે, આ તમામ વિવાદ વચ્ચે આજથી વિધિવત્ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રવાસીઓની શરૃઆત થઇ ગઇ હતી.

(5:52 pm IST)