Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વડોદરાઃ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું બાઇક અકસ્માતમાં મોત

મિત્ર સાથે કોલેજ તરફ જતી વેળાએ ટ્રકમાં બાઈક ઘુસી ગઈ

વડોદરા નજીક વાઘોડિયમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે.ગત મોડી રાત્રે મિત્રો સાથે બાઇક ઉપર કોલેજ તરફ જતાં સમયે આગળત જતી ટ્રકમાં બાઇક ઘુસી ગઇ હતી. જેના પગલે ઝામ્બિયાના વિદ્યાર્થીનું મોત થયું હતું.

 

   વરણામા પોલીસ સ્ટેશનમાંથી મળતી  માહિતી મુજબ દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયાના કાબવે લુકાસાનો રહેવાસી અને અત્યારે વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રૂમ નંબર- 304 માં રહીને અભ્યાસ કરતો હતો.23 વર્ષીય પીટર મામ્બા પીટર સિનીયર બુધવારે મોડી રાત્રે વડોદરા- વાઘોડિયા રોડ ઉપર પોતાના મિત્રો સાથે બાઇક ઉપર કોલેજ તરફ જઇ રહ્યો હતો. મિત્ર મુસુક્વા ડેનીસ મુસુંગ પાછળ બેઠો હતો જ્યારે પીટર મ્વામ્બા બાઇકચલાવી રહ્યો હતો. ત્યારે વડોદરા અને વાઘોડિયા વચ્ચે અનંતા શુભલાભ સોસાયટી પાસે આગળત જતી ટ્રમાં તેની બાઇકની ટક્કર થઇ હતી. જેના પગલે બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
  મળતી માહિતી પ્રમાણે ગંભીર રીતે ઇજા પામેલા જામ્બીયાના બંને વિદ્યાર્થીઓને જ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પીટર મ્વામ્બા પીટર સિનીયરનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુસુક્વા ડેનીસ મુસુંગેને સારવાર આપવામાં આવી હતી.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે પીટર મ્વામ્બા પીટર સિનીયર પારૂલ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના મોતના સમાચાર તેના વતનીઓ અને અન્ય મિત્રોને મળતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ સાથે તેના મોતના સમાચાર તેના ઝામ્બિયા ખાતે રહેતા પરિવારજનોને કરાતા તેઓ વડોદરા આવવા માટે નીકળી ગયા છે. પરિવાર આવે ત્યાં સુધી તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે

(10:12 pm IST)