Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઉદ્યોગ સાહસિકતા અને વ્યાપાર-વણજ ગુજરાતીઓના લોહીમાં વણાયેલ છે: ફિક્કીની કમિટીને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ

દેશની 5 ટકા વસ્તી અને 6 ટકા ભૂમિ ભાગ છતાં દેશના જીડીપીમાં 7,6 ટકા હિસ્સો :નિકાસમાં 22 ટકા અને સ્ટોક કેપિટલાઇઝેશનમાં 30 ટકા ફાળો

અમદાવાદ: ફિક્કીની નેશનલ એકઝીકયુટીવ કમિટી બેઠકને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો-નેશનલ કોન્ફરન્સ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યોજવા આહવાન કરતા કહ્યું હતું કે, આ સ્થળે વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ વિકસાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.

  વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાન અને વાયબ્રન્ટ સમીટની સફળતામાં ફિક્કીના સહયોગની પ્રસંશા કરી હતી. ગુજરાતમાં બીજીવાર યોજાઇ રહેલી આ નેશનલ એકઝીકયુટીવ કમિટી બેઠક આગામી વાયબ્રન્ટ-ર૦૧૯ પૂર્વે યોજાઇ રહી છે તે રાઇટ જોબ ફોર રાઇટ ટાઇમ છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે તેની વિશદ ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે. વ્યાપાર-વણજ ગુજરાતીઓના લોહીમાં છે. 
  તેમણે કહ્યું કે, ગુજરાત દેશની ૫ ટકા વસતિ અને ૬ ટકા ભૂમિ ભાગ ધરાવે છે છતાં, દેશના જી.ડી.પી.માં ૭.૬ ટકા ફાળો આપે છે. નિકાસમાં ૨૨ ટકા, સ્ટોક કેપિટલાઇઝેશનમાં ૩૦ ટકા, ઉત્પાદનમાં ૧૯ ટકા તથા પૂંજી નિવેશમાં ૮ ટકા ફાળો આપે છે. ગુજરાતમાં ઉદ્યોગને અનુકૂળ વાતાવરણ અને એકંદરે શાંતિના કારણે ઇઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં ગુજરાત આગળ છે.

(8:01 pm IST)