Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કેવડીયા કોલોની-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદ જેલના ભજીયાનો સ્વાદ ચાખવા મળશે

અમદાવાદઃ આખી દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની ચર્ચા છે. આવામાં અમદાવાદીઓને આ જગ્યાની મુલાકાત લેવાનું ઓર એક બહાનુ મળી ગયુ છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે અમદાવાદના પ્રખ્યાત જેલ ભજિયા હાઉસ (JBH)નું કાઉન્ટર હશે અને તમને ત્યાં ગરમાગરમ મેથીના ગોટા, બટેટા-કાંદા અને મરચાના ભજિયા ખાવા મળશે.

આ છે ખાસિયતઃ

જેલ ભજિયા હાઉસ બીજા બધા ભજિયા હાઉસ કરતા અલગ છે. સાબરમતી જેલના કેદીઓ એક આશા, હકારાત્મક અભિગમ, જીવનને નવી દિશા આપવાના સંકલ્પ સાથે પોતાનો સમય સમર્પિત કરીને આ ભજિયા બનાવે છે. 1998થી આરટીઓ નજીક જેલ ભજિયા હાઉસ ચાલે છે અને જેલના કેદીઓ જ ગરમાગરમ ભજિયા બનાવીને અમદાવાદીઓને ખવડાવે છે. અહીં ભજિયા ખાવા માટે રોજ લાંબી લાઈનો લાગે છે. તળેલા મરચા સાથે જેલના ભજિયા ખાવાની મજા જ કંઈ અલગ છે. છેલ્લા 20 વર્ષથી તેનો એક સરખો સ્વાદ જળવાઈ રહ્યો છે. આવા અનેક કારણોસર અમદાવાદીઓ માટે જેલના ભજિયા ખાસ છે.

મલહાર-ભક્તિએ ભજિયા હાઉસમાં સમય વીતાવ્યોઃ

હવે ખુશીની વાત એ છે કે જેલના ભજિયા અમદાવાદીઓ સુધી સીમિત ન રહેતા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા આખા દેશ અને આખી દુનિયાના પ્રવાસીઓ સુધી પહોંચશે. ભક્તિ કુબાવત અને મલ્હાર ઠાકર સાથે ભજિયા હાઉસમાં થોડો સમય વીતાવ્યો હતો.. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ અગ્રણી અભિનેતાઓએ એપ્પલ જ્યુસ અને કોકમ શરબત સાથે ભજિયાની મજા માણતા માણતા જેલ ભજિયા હાઉસની સક્સેસ સ્ટોરી વિષે વધુ માહિતી મેળવી હતી.

કેવી રીતે બને છે ભજિયા?

જેલના કેદીઓ દરરોજ અમદાવાદીઓને સ્વાદિષ્ટ ભજિયા ખવડાવવા ઘણી મહેનત કરે છે. આ પ્રક્રિયામાં તેમના કલાકો જતા રહે છે. આ ભજિયા બનાવનાર 9 જણની ટીમનો ભાગ બનવું એક અઘરુ કામ છે. આ પ્રક્રિયા વિષે વાત કરતા હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ પટણીએ જણાવ્યું, “સેન્ટ્રલ જેલમાંથી કેટલાંક કેદીઓને પસંદ કરીને ખેતી કરવા મોકલવામાં આવે છે. તેમના કામની ગુણવત્તા અને ડેડિકેશન જોયા બાદ તેમને ઓપન જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. અહીં તેમને જેલમાં જ રહીને કમાવાની અને પરિવાર માટે બચાવાની તક મળે છે. છેક આ તબક્કે તે ભજિયા હાઉસ માટે કામ કરી શકે છે. સતત સારુ પરફોર્મ કરવાની ધગશ અને જીવનમાં કંઈ સારુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા કેદીઓ અહીં કામ કરે છે અને આ કારણે તેમની પોતાની નજરોમાં પણ તેમની કિંમત વધી જાય છે.”

ત્રણ ટીમમાં કામ કરે છે કેદીઓઃ

આ અંગે વધુ વાત કરતા પટણીએ જણઆવ્યું, “કેદીઓને ત્રણ જણની એક એવી ત્રણ ટીમમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આ ટીમ દર મહિને બદલાય છે. ટીમ બદલાય ત્યારે નવી ટીમને વર્ક મેનેજમેન્ટના નવા પાઠ શીખવા મળે છે. ટીમના સભ્યોને દરરોજ તેમના આવડત અને ભૂમિકાના આધારે 100-200 રૂપિયા મહેનતાણુ ચૂકવવામાં આવે છે.”

રેસિપીની સિક્રેટઃ

જેલના જ એક કેદી ચંદુ પિતાંબર દ્વારા 1997માં જેલ ભજિયા હાઉસની સ્થાપના કરવામાં આવી હતી. અહીં કામ કરતા કેદીઓને જ્યારે રેસિપીની સિક્રેટ અને સક્સેસ મંત્ર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું, “અમારી દિનચર્યા છે કે અમે અહીં સવારે સાડા છએ આવીએ છીએ અને રાત્રે 8 વાગ્યા સુધી કામ કરીએ છીએ. અમે અહીં સજા પૂરી થાય ત્યાં સુધી સખત મહેનત કરીએ છીએ. અમારા ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સની બાબતમાં અમે ક્યારેય બાંધછોડ નથી કરતા. અમારા આ ડેડિકેશન અને પ્રયત્નોને કારણે જ જેલ ભજિયા હાઉસ આજે આ મુકામે પહોંચ્યુ છે.” અન્ય કેદી ગૌતમ સોલંકીએ જણાવ્યું, “મને લાગે છે કે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં આખા અમદાવાદમાંથી લોકો લક્ઝરી કાર લઈને ભજિયા ખરીદવા આવે છે. અમે દરરોજ રૂ. 20,000 જેટલા કમાઈએ છીએ. અમારે દરરોજ 50થી 60 કિલો બેસન, 35 કિલો લીલા મરચા, 40-45 કિલો મેથી અને 10 કિલો બટેટાનો વપરાશ થાય છએ.”

નમકીન પણ વખણાય છેઃ

ભજિયા ઉપરાંત અહીં કોકમ શરબત, ફ્રેશ એપ્પલ જ્યુસ પણ વખણાય છે. જેલ ભજિયા હાઉસમાં એક નાસ્તાની દુકાન છે જે ભાખરવડી અને મીઠી બુંદી માટે પ્રખ્યાત છે. આ નાસ્તા ખાસ્સા ડિમાન્ડમાંર રહે છે. શરદ નામની આ દુકાને નાસ્તા વેચતા મહેન્દ્ર પટેલે જણાવ્યું, “હું છેલ્લા 10 વર્ષથી જેલમાં છું અને બે વર્ષથી ઓપન જેલમાં છું. 15-20 જેટલા કેદીઓ આ નાસ્તા બનાવે છે. દિવાળીમાં ફરસી પુરી હોટ ફેવરિટ છે. અમે દરરોજ 9000 રૂપિયા જેટલા નાસ્તા વેચીએ છીએ. તહેવારની સીઝનમાં અમે વધુ કમાણી કરીએ છીએ.”

કેવડિયામાં વેચાશે જેલના ભજિયાઃ

કેવડિયામાં જેલ ભજિયા હાઉસનો જે સ્ટૉલ શરૂ થશે તેમાં 10 જેટલા કેદીઓ હશે. તેમાં પાંચ અમદાવાદના અને પાંચ વડોદરાની સેન્ટ્રલ જેલના હશે. કેદીઓને આ આઉટલેટ શરૂ કરવામાં મદદ કરનાર ઈન્ડસ્ટ્રી સુપ્રિન્ટેન્ડન્ટ નરેશ પરમારે જણાવ્યું, “અમે જેલ ભજિયા હાઉસ સેટ અપ કરવા માટે 27 ઓક્ટોબરથી અહીં છીએ. અહીં ચાર પ્રકારના ભજિયા મળશે- મેથી ગોટા, મરચા, બટેટા તથા ડુંગળીના ભજિયા. ભજિયાની કિંમત 220 રૂપિયા પ્રતિ કિલો છે.”

(6:04 pm IST)