Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજપીપળા તાલુકા પંચાયત ખાતે વિવિધ માંગણીઓ મુદ્દે તલાટીઓ એ માસ સીએલ સાથે ધરણા પ્રદર્શન કર્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતના તલાટીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને માસ સી.એલ પર ઉતરી કોવિડ ગાઈડલાઈનનું પાલન સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ કર્યો હતો.નાંદોદ તાલુકાના તલાટીઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે ગુજરાત સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી હતી.
નાંદોદ વડીયાના તલાટી અને તલાટી મંડળ પ્રમુખ દેવેન્દ્ર જોશી, તલાટી મંડળના પ્રવક્તા જેસલપુરના તલાટી ડો.નીતા પટેલ, હેમાંગીની ઉપાધ્યાય, વિજય માછી, ગીતા ચૌધરી, યાશમીન દીવાન, ધર્મેન્દ્ર સિસોદીયાએ ધરણા કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે કામના સ્થળે તલાટીઓ પર હુમલા થાય છે, તલાટી કેડરના મૂલ્યો જળવાતા નથી.2004, 05, 06 ની સેવા સળંગ ગણવી, ઈ-ટાસથી હાજરી, રેવન્યુ તલાટી સમકક્ષ 4400 રૂ ગ્રેડ પે, વિસ્તરણ અધિકારી સહકાર/આંકડામાં પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, પંચાયત સિવાયની કામગીરી ન આપવા, તલાટી પર ફરજ દરમિયાન હુમલા તથા નવું મેહકમ મંજુર કરી એક ગામ એક તલાટીની નિમણૂક અંગે અમે ઉચ્ચ કક્ષાએ ઘણી રજૂઆતો કરી છતાં નિવેડો આવ્યો નથી, આગામી સમયમાં અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્ય કક્ષાએ વિરોધ પ્રદર્શન કરીશું.
વધુમાં જણાવ્યું હતું કે તલાટીઓએ મનરેગા યોજનાના ઓનલાઈન મસ્ટરના કામોમાં સહી કરવાની ફરજ પડાઈ રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ તલાટીઓએ કાળી પટ્ટી બાંધી તથા પેન ડાઉન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.નાંદોદ તાલુકાના તલાટીઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા સમયમાં અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ વિરોધ પ્રદર્શન કરીશું.

(10:58 pm IST)