Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કડાણા સહિત રાજ્યના 5 મોટા ડેમ અને નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા

સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો: નર્મદા ડેમમાં હાલ 55 હજાર ક્યુકેસ પાણીની આવક : તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી : ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાવાથી 1.77 ફૂટ દૂર

અમદાવાદ :  રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે કડાણા સહિત રાજ્યના 5 મોટા ડેમ અને નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. શેત્રુંજી ડેમ, સુખી ડેમ, ઉંડ-1 ડેમ અને મચ્છુ-2 ડેમ પણ 100 ટકા ભરાઈ ગયા છે. કડાણા ડેમમાં 8201 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને હાલ 1249 MCM પાણીના જથ્થાનું સ્ટોરેજ છે. સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે. નર્મદા ડેમમાં હાલ 55 હજાર ક્યુકેસ પાણીની આવક થઇ રહી છે. બીજી બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે, જો કે ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાવાથી 1.77 ફૂટ દૂર છે. રાજ્યના નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાયા છે. 206માંથી 123 ડેમ હાઇ એલર્ટ પર અને 8 ડેમ પર એલર્ટ છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી ગઈકાલે 1 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તો આ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 2 ઓક્ટોબરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાણી સંભાવના હતી. જો કે ગુજરાતને કોઈ ખતરો રહેશે નહી તેવું જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(9:36 pm IST)