Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પબજી ગેમની લતે સગીરાનો અભ્યાસ પણ છોડાવી દીધો

મોબાઈલની લત છોડાવવા કાઉન્સેલિંગની જરૂર પડી : સગીરાની હરકતથી કંટાળેલા માતાપિતાએ અભયમની ટીમને ફોન કર્યો જેથી ટીમે તેનુ કાઉન્સેલિંગ કર્યુ હતું

અમદાવાદ, તા. : જ્યારથી ટીનેજર્સ હાથમાં મોબાઈલ આવી જાય છે તો તેમના પર મોનિટરીંગ કરવુ બહુ જરૂરી છે. જો કિશોરાવસ્થામાં બાળકોને મોબાઈલની ખોટી લત લાગી જાય તો પાછળથી તેમને સંભાળવા મુશ્કેલ બની જાય છે. મોબાઈલના વળગણના અનેક એવા કિસ્સા સામે આવ્યા કરે છે જે લાલબત્તી સમાન હોય છે. આવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પબજી ગેમની લત એક સગીરાને એવી લાગી કે માતાપિતાને તેનો અભ્યાસ પણ છોડાવવો પડ્યો હતો. સગીરાને મોબાઈલની લત છોડાવવા કાઉન્સેલિંગ કરવાની જરૂર પડી હતી.

મહિલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ ની ટીમ પર ફોન આવ્યો હતો. જેમાં એક શખ્સે ફરિયાદ કરી કે તેમની દીકરી પબજી ગેમના રવાડે ચઢી ગઈ છે. તે ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે અને તે ઘરમાં સતત ઝઘડ્યા કરે છે. આથી અભયમની ટીમ સગીરાના કાઉન્સેલિંગ માટે પહોંચી હતી. જેમાં તેમણે જાણ્યું કે, સગીરા મોબાઈલ ગેમ પબજીના રવાડે ચડી ગઈ હતી.

પિતાએ અભયમની ટીમને જણાવ્યુ કે, તેમની દીકરી ૧૬ વર્ષની છે. તેમની દીકરીને મોબાઈલ ગેમ પબજીની લત લાગી ગઈ છે. પબજી ગેમ રમવા અમે ઠપકો આપીએ તો તે ઘરેથી ભાગી જાય છે. તેની પાસેથી મોબાઈલ લઈ લઈએ તો તે બીજા લોકોનો મોબાઈલ લઈ આવે છે. આમ, તે ખોટી આદતમા લાગી ગઈ છે. આખો દિવસ તે મોબાઈલ રમ્યા કરે છે અને મિત્રો સાથે ફર્યા કરે છે.

સગીરાની હરકતથી કંટાળેલા માતાપિતાએ અભયમની ટીમને ફોન કર્યો હતો. જેથી અભયમની ટીમે તેનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. મોબાઈલની લતને કારણે સગીરાનો અભ્યાસ પણ છૂટી ગયો હતો.

(8:14 pm IST)