Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આણંદની ગ્રીડ ચોકડી નજીક રિક્ષામાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 2 આરોપીને અદાલતે 5 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ શહેરની ગ્રીડ ચોકડીથી રીક્ષા બેસી ઘરે જવા નીકળેલ મુસાફરને અમૂલ ડેરી રોડ ઉપરની એક સોસાયટી પાસે છરી મારી રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂા.૧૦૨૨૦ની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલ બે શખ્શોને આણંદની ચીફ કોર્ટે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

લગભગ છ વર્ષ પહેલા આણંદ શહેરની ગ્રીડ ચોકડી ખાતેથી અર્પણભાઈ પંકજભાઈ મીલેટ એક સીએનજી રીક્ષામાં બેસી ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન આ રીક્ષા શહેરની લક્ષ્મી ચોકડી ખાતે પહોંચતા રીક્ષાચાલકોનો અન્ય એક સાગરીત પણ રીક્ષામાં બેસી ગયો હતો અને રીક્ષાને જુની સિવિલ કોર્ટથી અમૂલ ડેરી રોડ પર આવેલ નવરંગ સોસાયટીના ખાંચમાં લઈ ગયો હતો. જ્યાં બંને શખ્શોએ ભેગા મળી અર્પણભાઈ મીલેટ પાસેથી બેગ લઈ છરી તેઓના ગળા ઉપર મુકી દીધી હતી. આ ઘટનામાં રીક્ષાચાલક સહિત તેનો સાગરીત અર્પણભાઈ પાસેથી રૂ.૨૨૦ રોકડ ભરેલ પાકીટ તેમજ રૂ.૧૦૦૦૦ની મત્તાની લૂંટ કરી હતી. દરમ્યાન અર્પણભાઈએ પ્રતિકાર કરતા તેઓના જમણા હાથના ભાગે છરી મારી રીક્ષામાંથી ધક્કો મારી દઈ નીચે પાડી દીધા હતા અને રીક્ષાચાલક રીક્ષા લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે અર્પણભાઈ મીલેટે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ લૂંટમાં સંડોવાયેલ લુકમાન ઉર્ફે લુખા અબ્દુલભાઈ વ્હોરા (રહે.શંકરભાઈની ચાલી, અમીન બેકરીની સામે, આણંદ) તેમજ અનવરભાઈ ઉર્ફે ભુરીયો હુસેનભાઈ મુલતાની (રહે.આણંદ, ઈસ્માઈલનગર, મુળ જંબુસર, કાવલે ગામ)ને ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ પૂર્ણ કરીને આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

(5:09 pm IST)