Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોને બાતમીના આધારે 1.62 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

ગાંધીનગર:લોકલ ક્રાઇમ બ્રાંચ-૨ના સ્ટાફ દ્વારા શહેર અને જિલ્લામાં દારુ જુગારના ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટેની કામગીરી ચાલી રહી છે. ત્યારે  એએસઆઇ  કેવલસિંહને બાતમી મળી હતી કે કેટલાંક લોકો રાજસ્થાનથી દારુનો જથ્થો લઇને ખાનગી વાહનમાં ભાટ ટોલનાકા પાસેથી અમદાવાદ તરફ જવાના છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  જે એચ સિંધવ સહિતના સ્ટાફ ગઇકાલે સાંજના સમયે ટોલનાકા પર વોચ ગોઠવીને એક કારને ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા ડેકીમાંથી વિવિધ બ્રાંડના દારુની ૨૩૩ જેટલી બોટલ મળી આવી હતી.જેની કિંમત અંદાજે રુપિયા ૧.૬૨ લાખ જેટલી છે. પોલીસે  કારમાં સવાર શાંતિલાલ ડામોર (રહે. બીછીંવાડા,ડુંગરપુર જીલ્લો),  અશોક કલાલ (રહે. ડુંગરપુર) અને પ્રકાશ કલાલ (રહે. ઉદેપુર)ની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.  પોલીસ જપ્ત કરેલી દારુની બોટલોમાં મોટાભાગનો બ્રાંડેડ દારુ હતો. જે આરોપીઓ અમદાવાદમાં સ્થાનિક બજારમાં ઉંચી કિંમતે વેચાણ કરતા હતા.   રાજસ્થાનથી કારમા નિયમિત રીતે અમદાવાદ લાવવામાં આવતો હોવાનો પણ ઘટસ્ફોટ આરોપીઓની પુછપરછમાં થયો છે. તો અશોક કલાલ સામે અગાઉ  વર્ષ ૨૦૧૭માં પ્રોહીબીશનનો ગુનો નોંધાઇ ચુકયો છે. ત્યારે આ અંગે હાલ તમામ આરોપીઓને ઇન્ફોસીટી પોલીસને સોંપવામાં આવ્યા છે. 

(5:07 pm IST)