Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

હિંમતનગરના ગાંભોઇ નજીક ખનીજ વિભાગે ચેકીંગ હાથ ધરી 8 ટ્રક સહીત 6 ટ્રેકટરો ઝડપી પાડયા

હિંમતનગર: તાલુકાના સરવણા (ગાંભોઈ) પાસે જિલ્લા ખાણ ખનીજ વિભાગે મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધરી ખનીજ ચોરી કરતા ૮ ટ્રક તેમજ દેરોલ અને સાયબાપુર વિસ્તારની સાબરમતી નદી પટમાંથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજની ચોરી કરતા છ  ટ્રેકટરોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. તંત્ર દ્વારા  ખનીજ માફીયાઓ દ્વારા રૂ. ૨ કરોડનો મુદમાલ જપ્ત કરી ૧૮ લાખના દંડ માટે  કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગુરૃવારે સાબરકાંઠાના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રિય ટીમે ખનીજ ચોરી ડામવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં સરવણા (ગાંભોઈ) ખાતે બીન અધિકૃત રીતે રોયલ્ટી પાસ કરતા વધુ રેતી ખનીજ ભરી વહન કરતા ૮ ટ્રકને ઝડપી લેવાયા હતા. વહેલી સવારે ખાણ અનીજ વિભાગની ક્ષેત્રિય ટીમે મહાવીરનગર પાસે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. તદઉપરાંંત હિંમતનગર તાલુકાના દેરોલ અને સાયબાપુર વિસ્તારના સાબરમતી નદી પટમાંથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજ ભરી ખનીજ ચોરી કરતા છ  ટ્રેકટરોને ઝડપી લેવાયા હતા. આમ એક જ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ખનીજ ચોરીના ૧૪ કેસો કરીને તંત્ર દ્વારા રૂ. ૨ કરોડનો મુદમાલ જપ્ત કરી ખનીજ ચોરો વિરૃધ્ધ અંદાજે રૂ. ૧૮ લાખની દંડકીય વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.  જિલ્લાના વિવિધ સ્થાનો પર રોયલ્ટી પાસ વિના તેમજ રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વાહનોમાં ભરી ખનીજ ચોરી કરનારા તત્વો વિરૃધ્ધ મળતી ફરિયાદો અને બાતમી આધારે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખીને આકસ્મિક ચેકિંગ દ્વારા ખનીજ ચોરીને અટકાવવા કાર્યવાહી કરાય છે. તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ખનીજ ચોરીના ૧૯૬ કેસો કરી રૂ. ૨૦૬ લાખની દંડકીય વસુલાત કરાતા ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ રૂ. ૨૦૪૮ લાખની રોયલ્ટીની મહેસુલી આવક વિભાગને પ્રાપ્ત થઈ છે.

(5:05 pm IST)