Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ઈડરના મુડેટીમાં ત્રાટકેલા તસ્કરો માતા-પુત્રને છરીની અણીએ ધમકાવી 53 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ઇડર: તાલુકાના મુડેટીમાં બુધવારની રાત્રે ત્રાટકેલા ૧૦ જેટલા ધાડપાડુએ એક મકાનમાં પ્રવેશી માતા-પુત્રને છરીની અણીએ ધમકી આપી સોનાના દોરા સહિત રૃપિયા-૫૩ હજારની સનસનાટીભરી લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા ૧૦ જેટલા ધાડપાડુ સામે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મુડેટી ગામે માતા કંકુબેન સાથે રહેતા નિતીનભાઈ મગનભાઈ દેસાઈ ગત તા. ૨૯ની રાત્રે ૧૧ કલાકને સુમારે ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા તેવામાં ચોપાડની ઝાળી ખોલી મોઢે રૃમાલ બાંધેલા તથા હાથમાં લાકડી અને છરી જેવા હથિયારો સાથેના ૧૦ માણસો ઘરમાં ઘુસી આવ્યા હતા. આ લોકોએ સૌ પ્રથમ નિતીનભાઈને ભોંય પર પાડી દઇ લમણે છરી મુકી કોઇ પણ પ્રકારનો અવાજ કરવાની મના ફરમાવી દીધી હતી. બાદમાં લૂંટને ઇરાદે આ લોકો ઘરનો સામાન વેરવિખેર કરતા હતા તેવામાં નિતીનભાઈની માતા કંકુબેન જાગી જતાં તેઓનો હાથ પકડી ભોંય પર બેસાડી દીધા હતાસાથે જ અવાજ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ આ લોકોએ તીજોરીમાંથી દોઢ તોલા સોનાનો રૃપિયા ૪૫૦૦૦નો દોરો તથા રોકડા રૃપિયા ૮૦૦૦ અને ૫૦૦ રૃપિયાનો એક મોબાઇલ મળી રૃપિયા ૫૩૫૦૦ની લૂંટ ચલાવી હતી. ઉપરાંત કાંસ જેવા સાધન થી ઘરના બેઠક રૃમની ટાઇલ્સ ઉખેડી નુકસાન પણ પહોંચાડયું હતું. લૂંટની ઘટનાને અંજામ આપી ધાડપાડુ ફરાર થઇ ગયા હતા. એકાએક ઘટેલી ઘટનાથી ડઘાઈ ગયેલા માતા-પુત્ર રાત્રે ઘરમાં જ સુઇ ગયા હતા. જો કેસવારે તેઓએ આ બાબતે ગામના આગેવાનો ને જાણ કર્યા બાદ ઇડર પોલીસ મથકમાં લઇ અજાણ્ય ધાડપાડુ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોઇ શુક્રવારે જિલ્લા પોલીસ વડા તથા વિભાગીય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત કરી હતી.

(5:03 pm IST)