Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સુરતમાં એટીએમના કાર્ડ રીડરની ચોરી કરીને ગ્રાહકોના પૈસા લૂંટનાર ગેંગનો એક શખ્‍સ બિહારના ગયાથી ઝડપાયોઃ સુરતની 10 ચોરીનો ભેદ ઉકેલાયો

બિહારથી સુરત ફલાઇટમાં આવતા અને એક્‍સીસ બેંકના એટીએમને નિશાન બનાવતા

સુરત: સુરત શહેરના એ.ટી.એમ.માંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એટી.એમ.માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતર રાજ્ય ગેંગના એકને બિહારના ગયાથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે પાંડેસરા, લિંબાયત, ઉધના, પુણા, ડીંડોલી, પોલીસ સ્ટેશનના 10 કેસ ઉકેલી કાઢવામાં સફળ થયા છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સીસ બેંકના એ.ટી.એમ. ટાર્ગેટ કરતા હતા.

સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા એક્સિસ બેંકના એટીએમ મશીનને નિશાન બનાવી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ વડે જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓને લઈ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે એટીએમ ક્લોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડથી રૂપિયા ઉપડનાર ગેંગનો સૂત્રધાર સંજીવકુમાર પાસિંગ ભૂમિહાર પોતાના વતન બિહારમાં હોવાની પાક્કી બાતમી મળી હતી. જે બાતમી મળતા પોલીસની એક ટીમ બિહાર રવાના થઈ હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વર્કઆઉટ કરી આરોપી સંજીવકુમાર પાસીંગ ભુમીહારને પકડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વાત બહાર આવી હતી. જે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ બિહારથી સુરત ફ્લાઇટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવતા હતા. એક્સિસ બેંકના એ.ટી.એમ. ટાર્ગેટ કરતા હતા.

કેવી રીતે એટીએમને ટાર્ગેટ બનાવતા

    એ.ટી.એમ. મશીનના વુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલતા હતા.

    ત્યાર બાદ એ.ટી.એમ. મશીનની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલ સ્ટીમર મશીન લગાવતા.

    સ્ટીમર મશીનથી એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા.

    તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી મોબાઇલમાં નોંધી લેતા હતા.

    ત્યારબાદ આરોપીઓ એ.ટી.એમ.માંથી મેળવેલા ડેટા લેપટોપ ઉપર ચકાસી મિની ટુલ્સ સોફ્ટવેર મારફતે રાઇટર મશીનનો ઉપયોગ કરતા હતા.

    એ.ટી.એમ. કાર્ડના ડુપ્લિકેટ એ.ટી.એમ.કાર્ડ બનાવતા

    ત્યારબાદ આ એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ દિલ્હી તથા બિહારના અન્ય શહેરોના એ.ટી.એમ. મારફતે રોકડા રૂપિયા ઉપાડી લેતા હતા.

(4:44 pm IST)