Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

નિવૃત્ત નાયબ સચિવ સી.પી.ઝિંઝુવાડિયાએ ૪૦ વર્ષની કારકિર્દીનો નીચોડ પીરસ્યો

ખાતાકીય તપાસ : દળદાર ગુજરાતી પુસ્તક

રાજકોટ તા. ૧ : મૂળ સૌરાષ્ટ્રના અને ગુજરાતના નિવૃત્ત નાયબ સચિવ સી.પી.ઝીંઝુવાડિયાજીએ ખાતાકીય તપાસ વિષયક ગુજરાતી ભાષામાં દળદાર પુસ્તક આલેખ્યું છે. આ પુસ્તકનું વિમોચન તાજેતરમાં થયું છે. 'ખાતાકીય તપાસની પુસ્તિકા' નામના ગ્રંથના વિમોચન પ્રસંગે રાજ્યના માહિતી કમિશનર કે.એમ.અધ્વર્યુ, બિન અનામત આયોગના સભ્ય નલીન ઠાકર, મધ્યાહન ભોજન યોજનાના નિયામક એસ.એ.પટેલ, નિવૃત્ત નાયબ સચિવ નટુભાઇ પંચાલ, નિવૃત્ત નાયબ સચિવ સી.એસ.ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લેખક સી.પી.ઝિંઝુવાડિયાએ ૪૦ વર્ષીય દીર્ધ કારકિર્દીના નીચોડરૂપે આ પુસ્તકનું આલેખન કર્યું છે. ખાતાકીય તપાસની સંપૂર્ણ માહિતી આપતું ગુજરાતી ભાષાનું આ પ્રથમ પુસ્તક છે. રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા શિસ્તભંગ અંગેની કાર્યવાહી બાબતે ઓર્થેન્ટિક માહિતી આ પુસ્તકમાં પ્રકાશિત થઇ છે. વ્યવહારૂ પુસ્તક છે, જેમાં નૈતિકતાની ચૂક થઇ નથી.

પુસ્તક અંગે નિવૃત્ત મુખ્ય સચિવ ડો. મંજુલા સુબ્રમણ્યમ્ કહે છે કે, જાહેર વહીવટી તંત્રમાં તપાસના વિવિધ કેસોમાં નોંધ લેખનની સાથોસાથ, મુસદ્દા લેખનનું સવિશેષ મહત્વ રહેલું છે. તેથી, તેઓએ પુસ્તકના પ્રકરણ-૨૫ : મુસદ્દા-લેખનમાં વિવિધ હુકમોના મુસદ્દાઓ માર્ગદર્શન માટે તૈયાર કરીને આપ્યા છે. ખાતાકીય તપાસના કેસોમાં થયેલ આખરી હુકમો સામે ન્યાય માંગવામાં આવે તો, તેવી ન્યાયિક પ્રક્રિયામાં, સરકાર પક્ષે યોગ્ય અને અસરકારક બચાવ કેવી રીતે કરી શકાય તેની જાણકારી મળી રહેશે. આ પુસ્તકની મદદથી, સરકારી કર્મચારીઓમાં કર્તવ્યપાલન - કાર્યોત્સાહ વધશે. આ પુસ્તક Trainers'Resource Book તરીકે પણ ઉપયોગી થશે. આ પુસ્તક, જાહેર વહીવટી તંત્રમાં શિસ્તભંગ વિષયક કાર્યવાહી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને, કર્મચારીઓને અને આક્ષેપિતોને, તેમના કર્તવ્યપાલન માટે અને પોતાનો વ્યકિતગત બચાવ કરવા માટે 'દીવાદાંડી'ની જેમ સતત મદદરૂપ બની રહેશે.

આકર્ષક લે-આઉટ અને સુઘડ પ્રિન્ટીંગ ધરાવતા આ પુસ્તકના આલેખન અંગે સી.પી.ઝિંઝુવાડિયા (મો. ૯૪૨૭૦ ૦૯૬૧૯) પર અભિનંદનો વરસી રહ્યા છે.

પુસ્તક પરિચય

પુસ્તક  : ખાતાકીય તપાસ

લેખક   : સી.પી.ઝિંઝુવાડિયા

      (નિવૃત્ત નાયબ સચિવ)

પાના : ૩૮૨

કિંમત  : રૂ. ૧૦૦૦

પ્રકાશન : નવસર્જન

પબ્લિકેશન, ૨૦૨, પેલિકન

હાઉસ, આશ્રમ રોડ,

અમદાવાદ.

(3:11 pm IST)