Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

૧૨૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી

ડાકોર મંદિરમાં ૨ મહિલાઓ દ્વારા રણછોડરાયજીની સેવા પૂજા કરવાની જાહેરાત : ચુસ્ત બંદોબસ્ત

મંદિરના સ્વર્ગસ્થ પૂજારી કૃષ્ણલાલા સેવકની બંને દીકરીઓએ સીધા વારસદાર હોવાથી મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર હોવાનું જણાવેલ

અમદાવાદ તા. ૨ : ડાકોરનો ૧૨૦૦ વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે, બે મહિલાઓએ મંદિરમાં પૂજા કરવા માટે અધિકારની માંગ કરી છે, ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયજીની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે.

બે બહેનોએ ડાકોરના રણછોડરાય મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓએ સીધા વારસદાર હોવાથી બંને બહેનોએ મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશ કર્યો છે.

મહત્વનું છે કે રણછોડરાયની સેવાને લઈને વારસદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારસદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, ૨ અને ૩ ઓકટોબરના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો.

આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. બંને બહેનો આજે ૨ ઓકટોબર અને આવતીકાલે ૩ ઓકટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ કહ્યુ છે. ત્યારે આ કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

તેમણેજણાવ્યું કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા, તેમનું નિધન થતા વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ, ઈન્દિરાબેને કહ્યું કે અમારા પરિવારના સભ્યો જયંતીલાલ સેવક અને ગદાધરા સેવકે કોર્ટ કેસ કર્યો હતો જેમાં વર્ષ ૨૦૧૮માં ચુકાદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા અનુસાર ૨ અને ૩ ઓકટોબરે મંદિરમાં સેવાપૂજા કરવોનો અમારો અધિકાર છે. તો મંદિરે પણ અમને પત્ર મોકલીને પરિવારના પ્રતિનિધિને મળવા બોલાવ્યા છે. મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવાપૂજા કરી શકે છે પૂજા પહેલા અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે અત્યારે સુધીમાં કોઈ મહિલાએ કયારે મંદિરમાં પૂજા અર્પણ કરી નથી.

(3:09 pm IST)