Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સ્મોકિંગ કરતાં હોય તો શું થયું? કેન્સર સ્મોકિંગથી જ થાય તેવું નથીઃ ગ્રાહક સુરક્ષા કમિશને કંપનીને વીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો

સ્મોકિંગ ન કરતાં હોય તો પણ થઈ શકે કેન્સર તો પછી વીમા કંપની કઈ રીતે એમ કહી શકે કે કલેમ કરનાર વ્યકિતને કેન્સર તેની સ્મોકિંગ કરવાની આદતથી થયું છે

અમદાવાદ, તા.૨: ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા વીમા કંપનીને તેના એક ગ્રાહકને કેન્સરની સારવાર પેટે થયેલા ખર્ચા માટે કરવામાં આવેલા કલેમની રકમ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે દાવાને વીમા કંપનીએ એમ કહીને નકારી કાઢ્યો હતો કે વીમો લેનાર વ્યકિત ચેઇન સ્મોકર હતો અને તેના કારણે તેને કેન્સર થયું છે જેથી વીમાની રકમ મળી શકે નહીં. જેના કેસની સુનાવણીમાં ગ્રાહક કોર્ટે કહ્યું કે એવું કયાંય સાબિત નથી થયું કે ગ્રાહકને તેની સ્મોકિંગની ટેવથી જ કેન્સર થયું છે.

અમદાવાદના થલતેજના રહેવાસી આલોક કુમાર બેનર્જીએ જુલાઈ ૨૦૧૪માં વેદાન્તા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ફેફસાના કેન્સરનો ઈલાજ કરાવ્યો હતો. જેના પેટે તેમને હોસ્પિટલ તરફથી રુ. ૯૩,૨૯૭ રુપિયાનું બિલ મળ્યું હતું. જોકે તેમણે વીમો લીધો હતો જેથી તેમણે આ ખર્ચના રિએમ્બર્સમેન્ટ માટે અરજી કરી વીમાની રકમ મેળવવા માટે દાવો કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ આ દાવો નકારી કાઢ્યો હતો.

જોકે જે બાદ થોડા સમયમાં આલોક બેનર્જી તો મૃત્યુ પામ્યા હતા પરંતુ તેમના વિધવા પત્ની સ્મિતા બેનર્જીએ ૨૦૧૬માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદમાં વીમા કંપની વિરુદ્ઘ કેસ દાખલ કર્યો હતો. જે બાદ કંપનીએ પોતાના બચાવમાં જવાબ આપતાં કહ્યું કે બેનર્જીને તેની બિમારી માટે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેનો સીધો સંબંધ તેમની સ્મોકિંગની ટેવ સાથે પણ હતો અને તે જ વસ્તુ તેમના કેસ પેપરમાં પણ દેખાય છે.

જોકે ગ્રાહક સુરક્ષા કોર્ટને કંપનીની દલીલ ગળે ઉતરી નહીં અને તેણે આવા કેસમાં હાયર ફોરમના આદેશને ઇંગિત કરીને કહ્યું કે જયારે કોઈ ઠોસ પુરાવો સાથે જોડવા માટે ન હોય ત્યારે ડિસ્ચાર્જ સમરી કોઈ પ્રાઈમરી અથવા નિર્ણયાત્મક પુરાવો નથી કહેવાતો. આ કેસમાં એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે મૃતકને કેન્સર તેમની સ્મોકિંગ હેબિટના કારણે થયું હતું. ત્યારે વીમા કંપનીએ કહ્યું હતું કે અમારા ડોકટર્સનું મેડિકલ સૂચન છે કે જે લોકોને દિવસ દરમિયાન ૨૬ વાર સિગરેટ પીવા જોઈએ છે તેમનામાં કેન્સરનું જોખમ વધુ રહે છે.

જોકે કમિશને આ બાબતે કહ્યું કે ફકત એક ઓપિનિયન કે સૂચનના આધારે એવું ન માની શકાય કે દર્દીને કેન્સર તેની સ્મોકિંગ હેબિટના કારણે થયું છે. બાકી એવા કેટલાય કિસ્સા સામે છે જેમાં એવા વ્યકિતને પણ ફેફસાનું કેન્સર થયું છે જેમણે જીવનમાં કયારેય સ્મોકિંગ કર્યું જ નથી. જેથી કંપનીએ ખોટી રીતે વીમાના કલેમને રીજેકટ કર્યો છે. આ સાથે ફોરમે આદેશ આપ્યો કે વીમા કંપની કલેમ મુજબની રકમ ચૂકવે આ સાથે ગ્રાહકને માનસિક પ્રતાડના તેમજ ન્યાયિક ખર્ચા માટે વળતર સ્વરુપે રુ. ૫૦૦૦ વધારાને વીમા કંપનીને ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

(10:36 am IST)