Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોડાસા રોડ પર આઈસર ચાલકે કારને અડફેટે લેતા ચાર હોમગાર્ડ જવાનોએ જીવ ગુમાવ્યો

કારમાં સવાર પાંચ હોમગાર્ડ મિત્રોમાંથી ચારના મોત થયા છે અને અન્ય એકને ગંભીર ઈજાઓ

મોડાસા રોડ પર આઈસર અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માતમાં ચાર મિત્રોના મોત થયા છે અને અન્ય વયક્તિને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ કપડવંજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત કાર અને આઈસર વચ્ચે થયો છે. કેળા ભરેલી આઈસર ટ્રક નં. RJ,06,GB,1433) અને કાર નં. GJ,07,DA, 8318 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ બન્ને એકબીજા સાથે સામ સામે ટકરાયા હતા અને કારમાં સવાર પાંચ હોમગાર્ડ મિત્રોમાંથી ચારના મોત થયા છે અને અન્ય એકને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસને આ જાણ થતાની સાથે કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરાર ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે. જેમાં બે વ્યક્તિઓ મોટા રામપુરા અને એક ગરોડ અને એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા. જ્યાંથી પરત ફરતાં કપડવંજ પંથક પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતક લોકોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. અહીં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાવામાં આવ્યાં હતાં. કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાના જણાવ્યા પ્રમાણે પોલીસ આ બનાવમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી રહી છે

(9:39 pm IST)