Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગુજરાત સરકારે શાંતિ-એકતા-સદ્ભાવના માટે રચેલી સમિતિમાં મુસ્લિમોને પણ સ્થાન આપો

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી : મુખ્યમંત્રીએ યોગ્ય કરવા ખાત્રી આપી

અમદાવાદ, તા. ર : રાજયમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાને વધુ બળવત્તર બનાવવા રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજય એકતા સમિતિની રચના કરવામાં આવી છે જેને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આવકારી છે, પરંતુ આ એકતા સમિતિમાં મુસ્લિમ સમાજના સંસદસભ્ય, ધારાસભ્યો, ધાર્મિક સંસ્થા, એન.જી.ઓ. સમાવેશ ન કરાતા ચિંતા વ્યકત કરી ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી છે. ઉપરાંત આવતા સપ્તાહે આ અંગે રાજયપાલ સમક્ષ પણ રજૂઆત કરવા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજુઆત કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજયમાં શાંતિ, એકતા, સદ્ભાવના દ્વારા કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા વલણોને મૂળમાંથી નાબુદ કરવા ગૃહવિભાગ દ્વારા એકતા સમિતિ બનાવી તે ખૂબ જ જરૂરી અને આવકારદાયક બાબત છે ગુજરાતમાં શાંતિ, સલામતી અને રાજયની તેમજ દેશની પ્રગતિ દિન પ્રતિદિન વધતી રહે તે માટે અમે સૌ આપની સાથે ખભેખભા મીલાવીને હંમેશની જેમ માનવતા એ જ સાચો ધર્મ છે. સૂત્રને સાકાર કરવા આપની રાહબરી હેઠળ અડીખમ રીતે તૈયાર છીએ. એકતા અને અખંડિતતાના કાર્યમાં વિવિધ સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાથી જ સરકારનો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્ર યથાર્થ નીવડી શકશે. એકતા સમિતિમાં જે રીતે રચના કરવામાં આવી છે તે એક ઉત્તમ પ્રયાસ હોવા છતાં ગુજરાતમાં ૬પ લાખની વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજના સંસદસભ્ય, ધારાસભ્યો, ધાર્મિક સંસ્થા તેમજ એન.જી.ઓ.ને પણ પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે.

(3:36 pm IST)