Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

“સંસ્કૃત યુવામંચ” વિષય પર બે દિવસનો રાષ્ટ્રિય વેબિનાર વિરમગામ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા યોજાયો

વેબિનારમાં દેશના અલગ અલગ યુનીવર્સિટીનાં પંદર જેટલા સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ,યુવા અધ્યાપકો અને શોધ છાત્રોએ સંસ્કૃતમાં આપેલા વિષય પર વક્તવ્યો આપ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ ડી.સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વીરમગામનાં સંયુકત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત “સંસ્કૃત યુવામંચ” વિષય પર બે  દિવસનો  રાષ્ટ્રિય વેબિનાર વીરમગામ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા યોજાયો હતો. આ વેબિનારમાં દેશના અલગ અલગ યુનીવર્સિટીનાં પંદર જેટલા સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ,યુવા અધ્યાપકો અને શોધ છાત્રોએ સંસ્કૃતમાં આપેલા વિષય પર વક્તવ્યો  આપ્યા હતા. બન્ને દિવસ સુધી કોલેજમાં  દિવ્ય અને સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિજેતા વિષ્ણુભાઈ પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સંસ્કૃત સંવર્ધન અને અને જતન માટે યુવાનોને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.વીરમગામ કોલેજના આચાર્ય પ્રા.  આર.ડી. ચૌધરીએ યુવા પ્રતિભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ યુવામંચ કાર્યક્રમના પ્રથમ દિવસના અધ્યક્ષપદે સરદાર પટેલ યુનીવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. નિરંજન ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દ્વિતીય દિવસના  અધ્યક્ષપદે એલ.ડી. આર્ટસ કોલેજ અમદાવાદના સંસ્કૃત વિદ્વાન ડો. ગજેન્દ્ર પંડા ઉપસ્થિત રહ્યા હતા.
  આ કાર્યક્રમમાં ડો. પ્રફુલ્લ પુરોહિત(બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય), ડો. અંજના તિવારી (એમ.એસ. યુનિ. વડોદરા), જયેશ શિયાની (સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય) અને શ્રુતિ કાનિટકર (આઈ.આઈ.ટી. મુંબઈ) વગેરે યુવા અધ્યાપકો અને શોધ છાત્રોએ પોતાના સંસ્કૃત વક્તવ્યો રજૂ કર્યા હતા.  જ્યારે દેશેની વિવિધ યુનીવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક છાત્રો  સિમરન ઠાકુર (કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રામટેક), ચિન્મય મુંજે (કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રામટેક), આસ્થા મહેતા (જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ), વિવેક સાંકળિયા (દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી,અમદાવાદ), મિતવા જોષી(એમ.એસ. યુનિ. વડોદરા), રસિક રાવલ(ગુજરાત યુનીવર્સિટી,ભાષાભવન સંસ્કૃત વિભાગ),કુંદન કુમારખાણીયા (ડી.સી .એમ. કોલેજ વીરમગામ), દિવ્યશ્રી મિશ્રા (ગુરુકુળ પાણીની કન્યા મહાવિદ્યાલય ,વારાણસી )  અને મોહિત પાઠક(સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ)  વગેરે એ પોતાના સંસ્કૃત વક્તવ્યો દ્વારા યુવા સંસ્કૃત મંચને શોભાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપિકા ડો. પ્રીતિ પુજારાએ કર્યું હતું અને વિભાગાધ્યક્ષ જી.જે. દેસાઈએ આભારવિધિ સંપન્ન કરી હતી. બન્ને દિવસના કાર્યક્રમનું સમાપન સંસ્કૃત વિભાગના વરિષ્ઠ અધ્યાપક અને જાણીતા કથાકાર રાજેન્દ્રપ્રસાદ ભટ્ટના આશીર્વચનથી થયું હતું . આમ,સંસ્કૃત સપ્તાહ અંતર્ગત  બે દિવસનો આ સંસ્કૃત યુવામંચ  વેબિનાર કોલેજના પ્રાંગણમાં સુચારુ સંપન્ન થયો હતો.

(5:23 pm IST)