Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વડોદરા:નોકરીની શોધમાં બંગાળથી વડોદરા આવેલ યુવાને ટ્રકની પાછળની એંગલ પર ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર

વડોદરા: નોકરીની શોધમાં ૧૫ દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળથી વડોદરામાં બનેવીના ઘેર આવેલા યુવાને બનેવીની ટ્રકની પાછળની એંગલ પર ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો રહીશ અઝહરુદ્દીન અબ્દુલસલીમ શેખ (ઉ.વ.૨૫) નોકરીની શોધમાં વડોદરા આવ્યો હતો અને તે બાપોદ વિસ્તારમાં એકતાનગર પોલીસચોકી સામેની ગલીમાં રહેતા બેન-બનેવી જલ્લાઉદ્દી સમીરઅલી મલિકના ઘેર રહેતો હતો. અઝહરુદ્દીનના બનેવી ટ્રાન્સપોર્ટમાં પોતાની ટ્રક ફેરવતા હોવાથી કેટલીક વખત બનેવી સાથે ટ્રકમાં ક્લિનરનું કામ કરતો હતો.

ગઇરાત્રે ઘેર નાસ્તો કર્યા બાદ અઝહરુદ્દીન બહાર નીકળ્યો હતો પરંતુ તે પરત નહી ફરતા તેની શોધખોળ હાથ ધરાઇ  હતી. દરમિયાન એકતાનગર ખાતે ધર્મેશનગરના નાકા પાસે મૂકેલી ટ્રકની પાછળની એંગલ પર ટૂવાલ વડે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી હતી. આ અંગે બાપોદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા  મળ્યું હતું કે મૃતકની માનસિક બીમારીની સારવાર ચાલતી હતી અને ઘણા દિવસોથી તે ચિંતામાં રહેતો હતો.

(4:37 pm IST)