Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનનું શટર તોડી 5.86 લાખની મતાની ચોરી કરી યુવાન રફુચક્કર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારના પથિક એપાર્ટમેન્ટમાં આવેલી રેડીમેઇડ ગાર્મેન્ટની દુકાનના શટરનું તાળું તોડી લેડીઝ અને જેન્ટ્સ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરનાર ત્રણ રાજસ્થાની યુવાનોને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેઓ રેલો માલ લઈ વતન રવાના થાય તે પહેલા સરદાર માર્કેટ પાસે ટ્રાવેલ્સની ઓફિસ સામેથી ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ.86,133 ના રેડીમેઈડ કપડાં, હોઝીયરીનો સામાન મળી કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે કરી તેમના મુંબઈના અન્ય સાથીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લેપોઇન્ટ સ્થિત પથિક એપાર્ટમેન્ટમાં આવેલી પુનિત એન્ટરપ્રાઇઝ નામની રેડીમેઇડ કપડાની દુકાનમાં ગત 25 ઓગષ્ટની રાત્રે ત્રાટકેલા તસ્કરો દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશી અલગ-અલગ કંપનીના ટી-શર્ટ 275 નંગ, શર્ટ 380 નંગ, ટ્રેક પેન્ટ 160 નંગ, હાફ પેન્ટ 70 નંગ ઉપરાંત અંડર ગાર્મેન્ટ અને લેડીઝ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક હિતેશ કિરીટ પંડયા (ઉ.વ. 36 રહે. જય જલારામ સોસાયટી, લેકવ્યુ ગાર્ડનની પાછળ, પીપલોદ અને મૂળ. જીલરીયા, તા. પડધરી, જિ. રાજકોટ) પત્ની અને સંતાનો સાથે કચ્છ ખાતે ધાર્મિક પ્રવાસે ગયા હતા. જેથી દુકાન તેમના પિતાજી સંભાળતા હતા અને તેમણે આ અંગે હિતેશને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

 

(4:34 pm IST)