Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગાંધીનગર જિલ્લાના પલસાણા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે કલોલના પલસાણા રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ધાનજના યુવાનનું મોત નીપજયું છે. હાલ તો આ અંગે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.   

ગાંધીનગરમાં અકસ્માતના બનાવોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓએ માથુ ઉંચકયું છે. અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં વાહનચાલકો પોલીસ પકડમાં આવતાં નથી ત્યારે કલોલના પલસાણા રોડ ઉપર ગુરૃકુળ નજીક સર્જાયેલા હીટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવાનનું મોત નીપજયું છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધાનજ ગામમાં રહેતા ૪૧ વર્ષીય યુવાન નટવરજી જીવાજી ઠાકોર ગત શનિવારે કલોલના પલસાણા રોડ ગુરુકુળ નજીકથી ચાલતા જઈ રહયા હતા તે દરમ્યાન ઈકો કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમની તબીયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા જયાં મંગળવારે સાંજના સમયે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટનામાં મૃતકના પીતરાઈ ભાઈ જવાનજી બળદેવજી ઠાકોરની ફરીયાદના આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા ઈકો કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(4:31 pm IST)