Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા નજીક પાંચ શખ્સોએ ભેગા થઇ બુમાબુમ કરતા પોલીસે ધરપકડ કરી

હિંમતનગર: શહેરના મહાવીરનગર ચાર રસ્તા પર સોમવારે રાત્રે પાંચ શખ્સોએ કારણ વિના ભેગા થઈને મોટા અવાજે બુમબરાડા પાડી સુલેહશાંતિનો ભંગ કરતા એડીવીઝન પોલીસે બખેડો કરનાર એક શખ્સની અટકાયત કરી છે જ્યારે બાકીના ભાગી ગયેલા ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોમવારે સાંજે આઠ વાગ્યાના સુમારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહાવીરનગર ચાર રસ્તા પર  બળવંતપુરાના વણજારા વાસમાં રહેતા ગોવિંદજી ધર્માજી વણજારાબલોચપુરના ગણપતજી મોતીજી વણજારા અને નવા ગામે રહેતા વિરમજી હીરાજી વણજારાકરણજી હીરાજી વણજારા અને સુરેશજી હીરાજી વણજારાએ ગમે તે કારણસર ભેગા થઈને બુમાબુમ શરૂ કરી દીધી હતી. જેથી જાહેર સુલેહશાંતિનો ભંગ થયો હતો.

દરમિયાન પાંચેય શખ્સોએ એકબીજા સાથે ઝપાઝપી કરી ઈજા થાય તે રીતે ઝગડો કરીને બખેડો કરવાનું શરૂ કરી દેતા અહીથી પસાર થતા લોકો તમાશાને તેડુ હોય તેમ ઝગડો જોવા એકઠા થઈ ગયા હતા.  જોકે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ વિજેન્દ્રસિંહએ તરત ગોવિંદજી વણજારાની અટકાયત કરી લીધી હતી અને બાકીના ચારજણા સહિત પાંચ વિરૂધ્ધ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં સુલેહશાંતિના ભંગ બદલ ફરીયાદ નોધાવતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

(6:56 pm IST)