Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગાંધીનગરના સે-21માં યોગ્ય સમયે કચરાનો નિકાલ ન થતા ઠેર ઠેર ગંદકી જોવા મળી:લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર: શહેરમાં તંત્ર દ્વારા ઠેકઠેકાણે કચરાપેટી મુકવામાં આવી છે. જેમાં એકઠો થતો કચરો નિયમીત રીતે ઉપાડવામાં આવતો હોય છે. ત્યારે સેક્ટર-૨૧માં મુકવામાં આવેલી કચરાપેટીઓના કચરાનો નિકાલ સમયસર નહીં થતાં ભરાવાથી આસપાસ ગંદકી ફેલાઇ રહી છે જેના પગલે વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં નગરજનોને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે.

પાટનગર સ્વચ્છ રહે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ ઝુંબેશ પણ ચલાવવામાં આવતી હોય છે અને ગંદકીને દુર કરવા માટેના પ્રયત્નો કરાતાં હોય છે. તો મુખ્ય શોપીંગ સેન્ટરો સહિત જાહેર વિસ્તારોમાં પણ કચરાપેટી મુકવામાં આવી છે. જેનો ઉપયોગ શોપીંગમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં લોકો કરી રહ્યાં છે. સેક્ટર-૨૧માં પણ તંત્ર દ્વારા કચરાપેટી ઠેર ઠેર મુકવામાં આવી છે. આ પેટીમાં એકઠા થતાં કચરાનો નિયમિત નિકાલ પણ કરવામાં આવતો હોય છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભરાયેલી કચરાપેટીના કચરાનો યોગ્ય નિકાલ નહીં થતાં દિનપ્રતિદિન ગંદકીથી કચરાપેટી પણ ખદબદી રહી છે. ત્યારે સંપુર્ણ કચરાપેટી ભરાઇ જવા છતાં કચરાનો નિકાલ નહીં થતાં પેટીની આસપાસ પણ ગંદકી ફેલાઇ રહી છે. જેના પગલે આ વિસ્તારમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ શોપીંગ સેન્ટરમાં ખરીદી કરવા આવતાં લોકોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. 

(6:55 pm IST)