Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગઝલ ગાયક મનહર ઉધાસે કેસરિયા કર્યા : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા

મનહર ઉધાસ સહિત ફિલ્મ અને ટેલિવિઝનના કલાકારો ભાજપમાં જોડાયા : મનહરની તમામ ગુજરાતી આલ્બમનું નામ શરૂ થાય છે Aથી

ગાંધીનગર તા.02 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. તો વળી દિવસેને દિવસે જાણીતી હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે. તેવામાં સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસે હવે કેસરીયો ધારણ કર્યો છે. ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં મનહર ઉધાસ સહિત ફિલ્મ અને ટેલિવિઝનના કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં તે ભાજપમાં જોડાયા હતા. મનહર ઉધાસનો જન્મ રાજકોટ પાસે ચરખાડી ગામમાં થયો હતો, તેમના બન્ને ભાઇ પંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ જાણીતા ગાયક અને મ્યુઝિશિયન છે. મનહર ઉધાસે હિન્દી સહિત દેશની કેટલીક ભાષામાં ગાયન ગાયા છે અને તમામ ગુજરાતી આલ્બમનું નામ એથી શરૂ થાય છે.

મનહર ઉધાસે મોટાભાગે બોલિવૂડના સંગીતકારો સાથે કામ કર્યુ છે અને કેટલાક ફિલ્મ અભિનેતા માટે પ્લે બેક સિંગરના રૂપમાં કામ કર્યુ છે, તેમણે હિન્દી, ગુજરાતી, બંગાળી, પંજાબી અને અન્ય ભાષામાં 300થી વધારે ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે. અત્યાર સુધી તેમના 60 આલ્બમ લૉન્ચ થઇ ચુક્યા છે. હિન્દી ફિલ્મ હીરોમાં તેમનું ગાયન લોકપ્રિય છે. ગુજરાતીમાં પણ તેમની ગઝલ નયન ને બંધ રાખીને તેમજ શાંત ઝરુખે વાટ નીરખતી જાણીતી છે.

(9:23 pm IST)