Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જેટકો વિરૂદ્ધ લાખોની રકમ મળવાઅંગે કર્મચારી દ્વારા થયેલ માંગણી રદ્દ

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પો.ની તરફેણમાં ચુકાદો

રાજકોટ, તા. ૨ :. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. (જેટકો) જૂનાગઢ સામે કર્મચારીની રૂા. ૮,૮૪,૦૦૦ની રકમ મળવાની માંગણી મજુર અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કો.પો. જૂનાગઢ વિરૂદ્ધ નિવૃત કર્મચારી રજનીકાંત મુકુંદરાય જોષી દ્વારા પગાર ફીકશેસન, પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ-૧નું પ્રમોશન તેમજ જૂનીયર એન્જીનીયર હાયર ગ્રેડ બાબતે રૂા. ૮,૮૪,૨૪૫ મેળવવા મજુર અદાલત રાજકોટ સમક્ષ વસુલાત અરજી દાખલ કરેલ હતી.

કર્મચારીની અરજી વિરૂદ્ધ સંસ્થાના એડવોકેટ એ.એસ. ગોગિયા દ્વારા ધોરણસર વાંધા રજૂ કરેલ તેમજ કેસને લગતા તમામ દસ્તાવેજો - પુરાવા રજૂ રાખી એવી દલીલ કરેલ કે, રીકવરી અરજીમાં પ્રમોશન અંગે મજુર અદાલત ન્યાય નિર્ણય કરી શકે નહી તેમજ અરજદાર નિવૃત થયા ત્યારે તેમને મળવાપાત્ર લાભો સંસ્થાએ ચુકવી આપેલ હોય આમ માગ્યા મુજબની કોઈ રકમ મેળવવા અરજદાર હક્કદાર થતા નથી.

બન્ને પક્ષોની દલીલો તેમજ કેસમાં પડેલ પુરાવાઓ ધ્યાને લીધા બાદ મજુર અદાલત રાજકોટના પ્રીસાઈડીંગ ઓફિસર અને ન્યાયાધીશ શ્રી બી.એસ. ભટ્ટ દ્વારા એવા તારણો આપેલ કે સંસ્થા તરફે રજુ થયેલ સર્વોચ્ચ અદાલત તેમજ હાઈકોર્ટના ચુકાદાઓમાં ઠરાવવામાં આવેલ સિદ્ધાંતો મુજબ ઔદ્યોગિક વિવાદધારાની કલમ ૩૩(સી) (૨) હેઠળ કોઈ હોદ્દો, પદ કે પ્રમોશન કે કોઈ પાર્ટીના રાઈટ નિર્ણયો ન્યાયનિર્ણય કરવાની લેબર કોર્ટને સત્તા નથી. તેવી જ રીતે પૈસામાં ગણતરી કરી શકે તેવા લાભો મેળવવા અરજદાર હક્કદાર હોય જ્યારે અરજદારની અરજીમાં જણાવ્યા મુજબના વિવાદ ન્યાયનિર્ણિત થયેલ ન હોય આવી રકમ મેળવવા અરજદાર પ્રસ્થાપિત હક્ક અધિકાર ધરાવતા ન હોય અરજદારની હાલની રીકવરી અરજી નામંજુર કરતો હુકમ કરેલ. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કો.પો. જૂનાગઢ તરફે રાજકોટના મજુર કાયદાના એસ.બી. ગોગિયા એસોસીએટસ વતી એડવોકેટ અનિલ એસ. ગોગિયા, પ્રકાશ એસ. ગોગિયા તેમજ સીન્ધુબેન એસ. ગોગિયા એડવોકેટ રોકાયેલ હતા.

(4:40 pm IST)