Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ફોટો જર્નાલિસ્ટ પિતા પુત્રને નમસ્તે શાલોમ એવોર્ડ મળ્યો

નેતાન્યાહુની ભારત યાત્રાના ફોટા યાદગાર બન્યાઃ કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રવાસન મંત્રીના હસ્તે એવોર્ડ અપાયા

અમદાવાદ, તા.૨: પ્રતિષ્ઠિત નમસ્તે શાલોમ મેગેઝિન દ્વારા યોજાયેલી 'નેતાન્યાહુ ઈન ઈન્ડિયા ફોટો કોન્ટેસ્ટ'માં અમદાવાદનાં ટોચના ફોટોજર્નાલિસ્ટ પિતા-પુત્રની જોડી અમિત દવે અને નંદન દવેને શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ માટે તાજેતરમાં જ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર અને ગુજરાતના ફોટોગ્રાફર્સ માટે આ ઘણા ગૌરવની વાત હતી. થોડા સમય પૂર્વે ભારતની મુલાકાતે આવેલા ઈઝરાયલનાં વડાપ્રધાન બેજામિન નેતાન્યાહુની ભારત યાત્રા દરમિયાન પાડવામાં આવેલા શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ માટેની સ્પર્ધા પ્રતિષ્ઠિત નમસ્તે શાલોમ મેગેઝિન દ્વારા યોજાઈ હતી. પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા ભારતમાંથી આવેલા સંખ્યાબંધ ફોટોગ્રાફ્સને કાળજીપૂર્વક પસંદગી કરીને વિજેતાઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. ઈઝરાયલનાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ભારત મુલાકાત દરમિયાન પસંદગી પામેલા શ્રેષ્ઠ પાંચ ફોટોગ્રાફ્સમાં અમદાવાદ સ્થિત રોઈટર્સ ન્યૂઝ એજન્સીનાં વરિષ્ઠ ફોટોજર્નાલિસ્ટ અમિત દવેને પ્રથમ ઈનામ અને તેમના પુત્ર તેમજ આશાસ્પદ યુવા ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ નંદન દવેને બીજું ઈનામ મળ્યું હતું. અન્ય વિજેતાઓમાં પીટીઆઈનાં ફોટો જર્નાલિસ્ટ શિરીષ શેટેને ત્રીજું ઈનામ મળ્યું હતું. આ ઉપરાંત ઝિંગહુઆનાં ફોટો જર્નાલિસ્ટ પાર્થા સરકાર અને ફ્રિલાન્સ ફોટોજર્નાલિસ્ટ હેમંત જોષીને પણ વિશેષ ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં મંત્રી કે. જે. આલ્ફોન્સે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત બાદ ઈઝરાયલમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ સ્થિત ફોટોજર્નાલિસ્ટ પિતા-પુત્રની જોડીએ વડાપ્રધાન નેતાન્યાહુ અને નરેન્દ્ર મોદીની રેર મોમેન્ટ્સને કેમેરામાં અદભૂત રીતે કંડારી છે. આ માટે તેઓને ખાસ અભિનંદન પાઠવું છું. નવી દિલ્હીમાં યોજાયેલા આ સમારંભમાં ઈઝરાયલનાં રાજદૂત ડેનિયલ કાર્માન, ઈઝરાયલનાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન સુશ્રી માયા કોડાશ, નમસ્તે શાલોમ મેગેઝિનનાં મુખ્ય તંત્રી તરૂણ વિજય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

(10:06 pm IST)