Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વિકૃત આનંદ મેળવનાર તત્વો વન્યજીવો માટે ખુબ ખતરારૂપ

સરકારે પગલા લેવા પડશે પરંતુ જાગૃતિ પણ જરૂરીઃ વન્ય જીવનને કેમેરા-વીડિયોમાં કંડારવા મહેતા પરિવારનું સમર્પણ સમાજ જીવનને અનોખી જ પ્રેરણા પૂરી પાડે છે

અમદાવાદ, તા.૨: ગુજરાત રાજયના વન્ય વિસ્તાર અને ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ગેરકાયદે સિંહ દર્શનનો મુદ્દો થોડા દિવસો પહેલા બહુ જાગ્યો હતો ત્યારે આવા વિકૃત આનંદ મેળવનારા તત્વોનું વન્ય જીવો, પ્રાણીઓ અને પ્રકૃતિના શાંત જીવનમાં બિનજરૂરી ખલેલ પાડી તેમનું જીવન વિક્ષેપિત કરવાનું કૃત્ય ઘણુ દુઃખદ, આઘાતજનક અને વખોડવાપાત્ર છે. વન્ય વિસ્તાર કે અભયારણ્ય વિસ્તારમાં જોરશોરથી મ્યુઝિક વગાડી, શોરબકોર કરી, પૂરપાટ ઝડપે વાહનો હંકારી કે શિકારની લાલચ ઉભી કરી સિંહ સહિતના પ્રાણીઓના ગેરકાયદે દર્શન કરવાના કોઇપણ પ્રકારના ડિસ્ટર્બન્સથી વન્યજીવન અને પ્રકૃતિને ગંભીર ખતરો છે. આ માટે સરકારે તો આકરા પગલા લેવા જ પડશે પરંતુ આમજનતાની જાગૃતિ અને જવાબદારી પણ એટલી જ જરૂરી છે કે જેઓ સાચા અર્થમાં સમજે કે, અત્યારસુધી પ્રકૃતિએ આપણી રક્ષા કરી છે અને હવે સમય પાકી ગયો છે કે, આપણે સૌ કોઇ ભેગા મળી પ્રકૃતિ અને વન્ય જીવો-પ્રાણીઓનું રક્ષણ કરીએ..આ શબ્દો અન્ય કોઇ નહી પરંતુ સમગ્ર વન્યજીવનને કેમેરા અને વીડિયોમાં કંડારવામાં સમગ્ર પરિવારે પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે તેવા દેશના જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને વાઇલ્ડલાઇફ સોજોર્ન્સના ફાઉન્ડર ભસ્માંગ મહેતા, તેમના પત્ની ઝંખના મહેતા અને પુત્ર મુદિત મહેતાના છે. વાઇલ્ડલાઇફની દુનિયા નાનકડા કેમેરા અને વીડિયોમાં કંડારવાનું અને આ ક્ષેત્રમાં કંઇક કરી છૂટવાનું ઝનુન એટલી હદનું હતું કે, સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા અને એક સમયે પોતાની ફાર્માસ્યુટીકલ કંપની ધરાવતાં ભસ્માંગ મહેતાએ ૨૦૧૧માં એક તબકકે વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમ માટે પોતાની ફાર્માસ્યુટીકલ કંપની પણ બંધ કરી દીધી અને પોતાની પત્ની ઝંખના અને પુત્ર મુદિત સાથે સમગ્ર જીવન વન્યજીવનને જાણે સમર્પિત કરી દીધું. વાઇલ્ડલાઇફ સોજોર્ન્સના ફાઉન્ડ ભસ્માંગ મહેતા અને તેમના પત્ની ઝંખના મહેતાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં તેમણે ગુજરાતના ગીર અભયારણ્ય ઉપરાંત, કર્ણાટકના કાબિની(નાગરહોલ નેશનલ પાર્ક), જવાઇ, રણથંભોર નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક, ભરતપુર બર્ડ સેન્ચુરી, ચંબલ રિવર સેન્ચુરી, લિટલ રણ ઓફ કચ્છ, તડોબા નેશનલ પાર્ક અને પેન્ચ નેશનલ પાર્ક સહિતના વન્ય ક્ષેત્રોમાં જીવનની કિંમતી ક્ષણો વાઘ, સિંહ, ચિત્તા, હરણ, જંગલી બફેલો સહિતના પ્રાણીઓ અને પક્ષીઓની એકમાત્ર લાક્ષણિક અને જવલ્લે જ નિહાળવા મળે તેવી ક્ષણો કંડારવા માટે સમર્પિત કરી દીધી હતી અને તેના પરિણામે આજે જીવનમાં કંઇક કર્યાનો સાચા અર્થમાં સંતોષ છે. માતા-પિતાની સાથે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં અત્યારથી જ કાઠુ કાઢી રહેલા તેમના પુત્ર મુદિતે જણાવ્યું કે, વાઇલ્ડલાઇફ પ્રત્યે બાળપણથી જ લગાવ અને માતા-પિતાના ગળથુથીમાં મળેલા સંસ્કારો મને વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમ તરફ પ્રેરે છે. હું જીવનમાં આ ક્ષેત્રમાં કંઇક વિશેષ કરવા માંગું છું. દરમ્યાન ભસ્માંગ મહેતા અને ઝંખના મહેતાએ જણાવ્યું હતું કે, વાઇલ્ડલાઇફ સોજોર્ન્સ દ્વારા આગામી વર્ષોમાં દેશના ૧૧ નેશનલ પાર્ક્સમાં વધુને વધુ સફારી ટુર્સ યોજવાનું આયોજન છે. જે માટે ગુજરાત ટુરીઝમ, રાજસ્થાન ટુરીઝમ, મધ્યપ્રદેશ ટુરીઝમ સહિતના ઓથોરીટી સાથે ચર્ચા વિચારણા હાથ ધરાશે. ગુજરાત સહિત ભારતના વન્યજીવન અને પ્રકૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ટુરીઝમ હબ તરીકે વિકસાવવાના ભાગરૂપે વિદેશી પ્રવાસીઓને પણ ખાસ સેવાઓ આપવા અમે તત્પર છીએ.

(10:06 pm IST)