Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કાર્ટુન કલાકાર મોટુ-પતુલએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું

સેન્ટ ઝેવિયર્સના બાળકોને મનોરંજન કરાવ્યું: મોટુ-પતલુએ બાળકોની સાથે હાથ મિલાવી તેમની સાથે ડાન્સ અને ધીંગામસ્તી કરી : બાળકો ખુશીથી ઝુમી ઉઠયા

અમદાવાદ, તા.૨: દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના મીરઝાપુર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં મોટુ અને પતલુએ અચાનક મુલાકાત લઇ શાળાના બાળકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બાળકો પણ પોતાના ફેવરીટ અને મનપસંદ કાર્ટુન કલાકાર મોટુ અને પતલુને જોઇને ખુશીથી ઝુમી ઉઠયા હતા અને ચિચિયારીઓ પાડી ઉઠયા હતા. મોટુ અને પતલુએ પણ બાળકો સાથે હાથ મિલાવી, તેમની સાથે ડાન્સ અને ધીંગામસ્તી કરી તેમને બહુ મોજ મસ્તી કરાવી હતી. મોટુ અને પતલુએ સેન્ટ ઝેવિયર્સ ઉપરાંત શહેરના અન્ય સ્થળોએ પણ મુલાકાત લઇ આ ફ્રેન્ડશિપ ડે પર તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે નિક્લોડિયનના હેશ બેસ્ટ ટુગેધર કેમ્પેઈન સાથે જોડાઓનો અનોખો સંદેશો આપ્યો હતો. બીએફએફના મોટુ અને પતલુએ ફ્રેન્ડ્સ સાથે હેશ બેસ્ટ ટુગેધર અવસરની ઉજવણી કરવા માટે આજે અમદાવાદ શહેરની મીરઝાપુર વિસ્તારની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની મુલાકાત લીધી હતી. મોટુ અને પતલુએ જીવનમાં ફ્રેન્ડશીપનું મહત્વ અને ખૂબીઓ બાળકોને ગમ્મત સાથે સમજાવી  હતી. પોતાના મનપસંદ કાર્ટુન કલાકારો મોટુ અને પતલુને જોઇને બાળકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઇ ગયો હતો. બાળકોએ મોટુ અને પતલુ સાથે હાથ મિલાવવા અને તેની સાથે તસવીરો ખેંચાવવા માટે ભારે પડાપડી કરી હતી. આ પ્રસંગે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષકોએ પણ બાળકોને તેમના ફેવરીટ કાર્ટુન પાત્રો સાથે ધીંગામસ્તી અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવાની અનોખી તક પૂરી પાડી હતી. મોટુ અને પતલુની મુલાકાતથી મસ્તીમાં ચૂર બનેલા બાળકોએ તેમને ભેટીને, તેમની સાથે હાથ મિલાવીને, તેમની સાથે ડાન્સ-ગાન કરીને ધીંગામસ્તી કરી હતી અને મોજમસ્તીમાં મજેદાર દિવસ વીતાવ્યો હતો. તો, મોટુ અને પતલુએ પણ બાળકોને તેમની સાથે ડાન્સ કરી, આકર્ષક રોમાંચક સ્મૃતિઓ નિર્માણ કરી તેઓને ભરપૂર મનોરંજન કરાવ્યું હતું. બાળકોના જીવનમાં મોટુ અને પતલુની આજની મુલાકાત મસ્તીની યાદરૂપ કંડારાઇ ગઇ હતી. આજના કાર્યક્રમ દરમ્યાન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ પણ સારો એવો સહયોગ આપ્યો હતો.

(10:04 pm IST)