Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજ્યના ૨૦ જળાશય હાઈ એલર્ટ પર : ૧૦ માટે એલર્ટ

રાજ્યમાં વરસાદ ખેંચાતા ચિંતાનું મોજુ ફરી વળ્યું: કુલ ૧૦ જળાશય માટે ચેતવણી પણ જારી કરવામાં આવી

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં ૨૦ જળાશયો હાલમાં હાઈએલર્ટ પર અને ૧૦ જળાશયો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ૧૦ જળાશયો માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બીજી બાજુ વરસાદ ખેંચાઈ જતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દક્ષિણી રાજસ્થાન અને ગુજરાત ક્ષેત્ર પર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી હજુ પણ યથાવત રાખવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝુજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને કુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને આંબાજલ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૨૦ જળાશયો હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના કુલ ૧૦ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૦ ડેમ માટે ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૧.૬૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૯.૫૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૫.૨૯ એમ રાજ્યમાં કુલ-૨૦૩ જળાશયોના હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૬.૭૮ ટકા એટલે ૨,૦૪,૭૨૧ મીટર ધન ફૂટ છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૫૪૮ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૯૮ ટકા છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૨૫.૮ અને મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી નોંધાયું હતું.

(10:04 pm IST)