Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પાર્કિંગને લઇ નોટિસને અમલી ન કરનાર શાળાઓ પર તવાઈ

કસૂરવાર શાળા-કોલેજોની મિલ્કતોને સીલ મરાશે : નોટિસનું સમયમર્યાદામાં પાલન ન કરાય તો હવે ટ્રાફિક પોલીસ દ્વારા કસુરવાર તમામ મિલકતોની યાદી બનાવાશે

અમદાવાદ, તા.૨ : શહેરમાં ચાલતી ટ્રાફિકની ડ્રાઈવને ટ્રાફિક પોલીસ આજથી વધુ કડક બનાવવા જઈ રહી છે. ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસનું સમયમર્યાદામાં પાલન નહી કરાય તો ટ્રાફિક પોલીસ દ્વારા આવી કસૂરવાર મિલકતોનું લિસ્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે. ત્યારબાદ શાળા-કોલેજ, શોપીંગ મોલ કે હોસ્પિટલ સહિતની આવી પ્રિમાઇસીસીમાં પાર્કિંગ મુદ્દે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.  એટલું જ નહી, આ અંગેનો સમગ્ર રિપોર્ટ પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝિટર પાર્કિંગ બોર્ડ લગાવનારા લોકોની પણ યાદી તૈયાર કરી તેમની સામે પગલાં લેવા પણ મ્યુનિ.ને જાણ કરવામાં આવશે. ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ વગેરે મળી અંદાજિત ૧૦૦૦ મિલકતોને ટ્રાફિક પોલીસ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ પણ મિલકતના સંચાલકો દ્વારા પાર્કિંગ મામલે કોઈ પગલાં અથવા વ્યવસ્થા નહિ કરવામાં આવી હોય તો આજથી તેમનું લિસ્ટ ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવાની પ્રક્રિયા આરંભાઇ છે. જે પણ મિલકતો દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી તેની સામે હવે કડક પગલાં લેવામાં આવશે. ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ મુદ્દે અમરાઈવાડી ટોરેન્ટની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું હતું. પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાના કારણે શાળા-કોલેજો, મોલ, કોમ્પ્લેક્સ વગેરેમાં આવતા લોકો બહાર રોડ પર જ વાહન પાર્ક કરી દે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાર્કિંગ મામલે ટ્રાફિક પોલીસની નોટિસને અવગણનારા વિરુદ્ધ હવે કડક કાર્યવાહી ઉપરાંત ફ્લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝીટર ર્પાકિંગના બોર્ડ લગાવનારા સામે પણ હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. ફ્લેટ અને સોસાયટીઓની બહાર લગાવવામાં આવેલા બોર્ડ મામલે પોલીસે તેઓને બોર્ડ હટાવી અને લોકોને અંદર જ ર્પાકિંગ કરાવવા માટે જાણ કરી છે. જાણ છતાં પણ જો હજી બહાર રોડ પર જ પાર્ક કરવામાં આવ્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને જાણ કરવામાં આવશે. ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પાર્કિંગના મુદ્દે જે પણ શાળા-કોલેજ, હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે છતાં કોઈ પગલાં નથી લીધાં તેમની સામે હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે. માત્ર પશ્ચિમ જ નહિ પૂર્વ વિસ્તારમાં પણ આજ રીતે કડક પગલાં લેવામાં આવશે. પાર્કિંગ અને નો-વિઝિટર બોર્ડ મામલે નોટિસ આપ્યા બાદ પણ જે લોકોએ પગલાં નથી લીધાં તેનું લિસ્ટ બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે અને તેનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ સંજોગોમાં હવે શાળા-કોલેજો સહિતની પ્રિમાઇસીસના કબ્જેદારોમાં  ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

(8:15 pm IST)