Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વલસાડ જિલ્લામાં ત્રણ ગામોમાં માત્ર કાગળ પર પાણીના ટાંકા !!

મોટા કૌભાંડનો પર્દાફાશ:અધિકારી સહીત 16 લોકો વિરુદ્ધ ફરિયાદ

વલસાડ : વલસાડ જિલ્લામાં ત્રણ ગામમાં પાણીના ટાંકા બનાવવામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર કાગળ પર જ ટાંકા બનાવી ખોટા બિલો અને દસ્તાવેજો રજૂ કરી કરાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસીબી ટીમે જમીન વિકાસ નિગમના અધિકારી સહિત 16 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના મોટી ઢોલડુંગરી, કરંજવેરી, ખટાણા ખાડા ગામમાં કાગળ પર જ પાણીની ટાંકી બનાવી અંદાજે 57 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી આ કૌભાંડ કરાયું હોવાનું સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

  આ કૌભાંડને પગલે એસીબીએ જમીન વિકાસ નિગમના અધિકારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર સહિત 12 શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોગસ બિલો અને ખોટા દસ્તાવેજો રજૂ કરી આ કૌભાંડ આચરાયું હોવાનું ખુલતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 

  અંદાજે 28 જેટલા ટાંકા બનાવવાનો દાવો કરાયો હતો. પરંતુ એસીબીને માહિતી મળી હતી કે આમાંથી માત્ર 15 જ ટાંકા બનાવવામાં આવ્યા છે અને બાકીના ટાંકા બનાવ્યા વગર જ ખોટા બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરાયો છે. જેને પગલે એસીબીની ટીમે તપાસ હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખયનીય છે કે જમીન વિકાસ નિગમ દ્વારા ખેડૂતોને ખેતરમાં ટાંકા બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

(7:51 pm IST)