Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદથી કાર ચોરી નંબર પ્લેટ બદલી રાજકોટ વેચવાનું કૌભાંડ ઝડપાયું

આરોપીઓ ૯ દિવસના રિમાન્ડ પર : ક્રાઇમ બ્રાન્ચે ચોરી પ્રકરણમાં રાજકોટના બે સહિત ત્રણ યુવકોને ઝડપી તેમની પાસેથી પાંચ કાર કબજે કરી

અમદાવાદ તા. ૨ : શહેરના વસ્ત્રાપુર, સોલા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાંથી કાર ચોરી રાજકોટ વેચવાનું મસ મોટુ કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ચોરી પ્રકરણમાં રાજકોટના બે સહિત ત્રણ યુવકોને ઝડપી તેમની પાસેથી પાંચ કાર કબજે કરી છે. દરમિયાનમાં આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ યુ.એન.સિંધીએ ૯ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ આરોપીઓએ વડોદરાથી પણ કાર ચોરી કરી હોવાની વિગત ખુલી છે.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ચોરી કરેલી કાર નંબર પ્લેટ બદલી એક શખ્સ એસજી હાઇવે પાસે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે જ સિલ્વર કલરની એક એસેન્ટ કાર આવી હતી. જેનો નંબર જી.જે.૧ એચ.જે ૧૪૨૧ હતો. પોલીસે ગાડી ઉભી રાખી તેના પેપર માગતા માલીક પાસે હતા નહીં. જેથી પોલીસે ગાડીનો ચેચીસ નંબર ચકાસી સીઆરપીસીની કલમ ૪૧(૧)(ડી) મુજબ કાર ચાલક અરવિંદ દુલાભાઇ માણીયાની અટકાયત કરી તપાસ કરી હતી.

તપાસમાં એવી વિગત ખુલી કે, જે ગાડી કબજે કરી છે તે ડિસે. ૨૦૧૭માં વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી ચોરી થઇ હતી જે અંગે ચોરીનો ગુનો પણ નોંધાયો છે. જેથી આ મામલે અરવિંદની કડકાઇથી પુછપરછ કરતા તેણે બીજી અલટો કાર સોલા પાસેથી તેનો નંબર બદલી રાજકોટના તાહેર વોરાને આપી હતી તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ બીજી  ત્રણ કાર બાવળા મુકી હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણે કાર કબજે કરી હતી.

તપાસમાં એવી વિગત ખુલી કે, અરવિંદ રાજકોટના તાહેર અનવરહુસેન ત્રિવેદી દાઉદીવોરા અને સલીમ હબીબ શેખ સાથે મળી શહેરમાંથી કાર ચોરી નંબર બદલી રાજકોટ વેચી દેતા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ, સલીમ, તાહેરને ઝડપી કોર્ટમાં રિમાન્ડ  માટે રજૂ કર્યા હતા. જયાં સરકારી વકીલ વાય.કે.વ્યાસે એવી દલીલ કરી હતી કે, આરોપી બોગસ નંબર પ્લેટ કોની પાસે બનાવતા હતા, આરોપી પાસેથી મળેલી કાર તેઓ કોને વેચવાના હતા, આરોપીઓએ ગુનાઇત કૃત્ય માટે કાર વાપરી છે કે નહીં, આરોપીઓએ આવી અનેક કાર ચોરી હોવાની આશંકા છે, આરોપી અરવિંદ ૨૦૧૩થી આ રીતે ગાડી ચોરી કરી વેચે છે તો તેણે કેટલી ગાડીઓ ચોરી અને કોને વેચી, આરોપીઓ ગાડીઓ ચોરી નંબર પ્લેટ બદલી રાજકોટ વેચતા હતા તેથી તપાસ માટે રાજકોટ જવું પડે તેમ છે, આરોપીઓને ટીપ કોણ આપતું હતું સહિતના મુદ્દાની તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની જરૂર છે.

(4:58 pm IST)