Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સેંકડો બિલ્ડરોના પ્લાન-નકશા રાજયભરમાં અટકયાઃ મુખ્યમંત્રીએ તાકિદની બેઠક બોલાવીઃ ૪ દિ'નો સમય આપ્યો

સોફટવેર બહુ ધીમું ચાલે છેઃ પેમેન્ટ જમા દેખાડતું નથીઃ બિલ્ડરો-આર્કિટેકોના નામો જ આવતા નથી : રાજકોટ-રૂડાના સીઇઓ સહિત દરેક મહાનગરપાલિકાના અધિકારીઓ-બિલ્ડરો આર્કિટેકો સાથે મંત્રણા યોજી : એક ટીમ બનાવવા આદેશઃ TCS ના ઇજનેરો-સોફટવેર નિષ્ણાંતોની મદદ લેવાઇઃ કાલથી રાજકોટમાં રૂડા દ્વારા ટીમ બનાવી પ્રશ્નોનો ઉકેલ લાવવા કવાયત

રાજકોટ તા.૨: રાજકોટ સહિત રાજયના અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૭ મહાનગરપાલિકા અને અર્બન વિસ્તારના સેંકડો બિલ્ડરો દ્વારા મુકાયેલા બિલ્ડીંગ માટેના પ્લાન-નકશા યોજના વિગેરે બાબતો સોફટવેરની ખામીને કારણે અટકતા દેકારો બોલી ગયો છે, છેલ્લા ૧ મહિનાથી કોઇ બાબત અપડેટ થતી ન હોય બિલ્ડરો-આર્કિટેકો ખફા બન્યા છે, આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સુધી ફરીયાદો પહોંચતા તેમણે ગઇકાલે સાંજે તાકિદની મીટીંગ બોલાવી હતી, અને તેમાં તમામ મહાનગરપાલિકા વિસ્તારના સીઇઓ-આર્કિટેકો-બિલ્ડરો-સોફટવેર નિષ્ણાંતો-ટીસીએસના ઇજનેરોને બોલાવ્યાં હતા.

બિલ્ડરો-આર્કિટેકોએ મુખ્યમંત્રી સમક્ષ ફરીયાદનો ધોધ વહાવ્યો હતો, જેમાં સોફટવેર (IFC) સાવ ધીમુ ચાલતુ હોવાનું, પેમેન્ટ કર્યુ હોય જે બાબતનું તે જમા દેખાડતું ન હોવાનું, બિલ્ડરો-આર્કિટેકોના નામો જ ન આવતા હોવાની, નાનો પ્લાન મુકાયો હોય ત્યાં પણ તમામ બાબતો કલીયર ન થતી હોવાની, માર્જીન અને માપણીમાં ભુલ થતી હોવાની અને નાના મકાનો કે જે લોડ બેરીંગ ઉપર  બને છે તેનો ઉલ્લેખ જ થતો ન હોવાની, પ્લાન પ્રમાણપત્ર દેખાડતા ન હોવાની ફરીયાદો આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ફરીયાદો સાંભળી તાકિદે એક ટીમ દરેક વિસ્તારમાં બનાવવા અને ૪ દિવસમાં પ્રશ્ન ઉકેલવા આદેશો કર્યા હતા.

મુખ્યમંત્રી સમક્ષ એવી પણ ચોંકાવનારી ફરીયાદ ઓનલાઇન પ્લાન મુકયા બાદ તેમા પુર્તતા કરાય તો પણ તે દેખાડતી નથી અને પરિણામે પ્લાન મંજુર થતા નથી, મુખ્યમંત્રીએ આ માટે સોફટવેર જેનો છે તે ટીસીએસના ઇજનેરોની મદદ લેવા સૂચના આપી હતી.

રાજકોટથી એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા-રૂડાના સીઇઓ શ્રી અંતાણી પણ મીટીંગમાં હાજર રહ્યા હતા, બંને અધિકારીઓના નિર્દેશ મુજબ રાજકોટ વિસ્તારમાં એટલે કે રૂડા વિસ્તારમાં બિલ્ડરોની આ ઓનલાઇન સમસ્યા હલ કરવા સંદર્ભે, કાલથી રૂડા દ્વારા એક ટીમ બનાવાશે, અને તમામ બિલ્ડરો અને લાગતા વળગતાઓને સામસામે બેસાડી આખો પ્રશ્ન હલ કરી લેવાશે, રૂડાએ બિલ્ડરો પાસે લેખીતમાં પણ તમામ વિગતો માંગી છે.

(4:57 pm IST)