Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતમાં યુવાનોને નશાની ગરતામાં ધકેલવાનું કારસ્તાન

રાજકોટના પૂર્વ અને હાલ વડોદરા સીપી અનુપમસિંહ ગેહલોત તથા રાજકોટના પૂર્વ એસીપી અને હાલ અમદાવાદ ડીસીપી ડો. હર્ષદ પટેલના સુપરવિઝન હેઠળની તપાસમાં ચોંકાવનારા તારણો

રાજકોટ, તા. ૨ :. ગુજરાતના વિવિધ શહેરોમાં અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નશાની ગરતામાં ધકેલવા માટે કેટલાક અવળે રસ્તે ચડી ગયેલા યુવાનો દ્વારા ગાંજા જેવા નશીલા પદાર્થનું મોટેપાયે રેકેટ ચાલી રહ્યાની બાતમી આધારે રાજકોટના પૂર્વ એસીપી ડો. હર્ષદભાઈ પટેલ કે જેઓ હાલમાં જ અમદાવાદ ક્રાઈમ (એસઓજી) ડીસીપી તરીકે નિમાયા છે. તેમના સુપરવિઝનમાં આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને નશાનો કારોબાર ચલાવતા ગોપાલભાઈ વીરાભાઈ મકવાણા નામના યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળની આ કાર્યવાહીમાં પી.આઈ. કે.જી. ચૌધરી, પી.એસ.આઈ. એન.એન. રબારી તથા પી.એસ.આઈ. એ.વી. શિશાંગીયાની ટીમે આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ ઓડા ગાર્ડનની પાર્કિંગવાળી જગ્યામાં ગાંજાનો કારોબાર ચલાવતા ગોપાલભાઈ વીરાભાઈ મકવાણાને ચાર કિલો ગાંજા તથા રોકડ રકમ સાથે ઝડપી લઈ ડો. હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ ચલાવતા આ ગાંજો અમદાવાદના વાસણા ભઠ્ઠા વિસ્તારમાં રહેતી કમીબેન નામની યુવતી નશીલા પદાર્થનો મુખ્ય કારોબારી હોવાનું ખુલેલ. આરોપી ગોપાલભાઈએ નશીલા પદાર્થ (ગાંજો) આ યુવતી પાસેથી જ ખરીદ્યાનો ધડાકો કરેલ. ઉકત યુવતી સામે પણ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ડીસીપી તરીકે ચાર્જ સંભાળતા જ ગાંજાનો જથ્થો પકડી પાડયો છે.

દરમિયાન વડોદરામાં પણ નશીલા કારોબાર અને ગાંજાનો વેપાર કોલેજો અને યુનિવર્સિટી આસપાસ ચાલી રહ્યાની બાતમી રાજકોટથી વડોદરા મુકાયેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને મળતા તેઓની સૂચના આધારે એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ. એચ.એન. ચૌહાણે પાંચ શખ્સોની ધરપકડ કરેલ. જે આરોપીઓની અટક થઈ છે તેમા મોહમદ મન્સુરી, અમઝદ મકરાણી, તાલીબ દિવાન, રાકેશ રાઠવા અને નવીન રાઠવાને ઝડપી તેની ઉંડાણપૂર્વકની તપાસ પોલીસ કમિશ્નર ઓફિસે કરી અને રીમાન્ડ મેળવવામાં આવેલ.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે રાજકોટ સ્ટાઈલથી આરોપીઓની આગવી ઢબે પૂછપરછ ચાલુ કરાવતા જ આરોપીઓ દ્વારા વડોદરા પંથકના છોટાઉદેપુર વિગેરે સ્થળેથી ગાંજો મેળવાતો હોવાનું જણાવવા સાથે આ ધંધામાં ખેપીયાઓને મોટુ કમિશન અપાતુ હોવાનું બહાર આવેલ. એક આશ્ચર્યજનક વાત એ બહાર આવી કે, ૯૦ કિ.મી. દૂરથી જ નશીલા પદાર્થ જ્યાં ઉતારવાનો હોય તેનુ પાયલોટીંગ બાઈક દ્વારા કરવામાં આવતું. રસ્તામાં ચેકીંગ કે પોલીસની હીલચાલ નજરે પડે તો પાછળ રહેલી જીપને નક્કી કરેલા ખાસ કોડવર્ડ મુજબ જાણ કરી ચેતવી દેવામા આવતા હતા. આમ ગુજરાતના યુવાનોને ગાંજા સહિતના નશીલા પદાર્થના બંધાણી બનાવવા જેમા યુવતીઓનો પણ સમાવેશ છે તેવી ટોળકીઓ સક્રીય બન્યાનું પણ ખુલ્યુ છે.

અમદાવાદમાં સ્કૂલ સામે જ 'ગાંજા'નું વેચાણ થતુ'તુઃ એક મહિલા માસ્ટર માઈન્ડ નિકળી

રાજકોટઃ અમદાવાદમાં એસઓજી (ક્રાઈમ બ્રાંચ)માં ડીસીપી પદે નિમાયેલા, રાજકોટના પૂર્વ એસીપી (ક્રાઈમ) ડો. હર્ષદભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ અમદાવાદમાં નશીલા પદાર્થ (ગાંજા)નું વેચાણ થતુ હોવાની માહિતી મળતા જ આ બાબતને પ્રાધાન્ય આપી અમદાવાદની એક સ્કૂલ સામેથી ગાંજાનું વેચાણ કરતા ગોપાલભાઈ મકવાણા નામના શખ્સને  ઝડપાવી દીધેલઃ ઉકત આરોપીની પૂછપરછમાં વાસણા ભઠ્ઠા વિસ્તારની એક યુવતી ગાંજાના ધંધાની માસ્ટર માઈન્ડ હોવાનું જણાવતો ધડાકો કર્યો હતો

વડોદરામાં 'ગાંજા'ની હેરફેરમાં ૯૦ કિ.મી. દૂરથી પાયલોટીંગ થતુ'તું

રાજકોટઃ વડોદરામાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ રાજકોટના લોકપ્રિય પૂ ર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે રાજકોટ સ્ટાઈલથી જ આરોપીઓ સામે આગવી ઢબથી કાર્યવાહી શરૂ કરતા જ તેના પરિણામો પોલીસને મળી રહ્યા છેઃ વડોદરામાં ગાંજાના કારોબાર સાથે સંકળાયેલા પાંચ શખ્સોની આગવી ઢબે પોલીસ કમિશ્નર ઓફિસમાં પૂછપરછ થતા જ પકડાયેલા રીઢા શખ્સોએ નશીલા પદાર્થ (ગાંજા)ની મોટી હેરફેર જે જીપ કે કાર મારફત થતી તેની આગળ એક બાઈકનું પાયલોટીંગ રહેતુ હોવાનો ઘટસ્ફોટ કરેલ. આરોપીઓએ વિશેષમાં એવી પણ કબુલાત આપી કે રસ્તામાં ચેકીંગ કે પોલીસની હાજરી જણાય તો પાછળ રહેલી કારને મોબાઈલ મેસેજથી ચેતવી દેવાતી

(4:35 pm IST)