Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

૧ મિનિટમાં આ ટીનેજર ૨૪ પાણીપૂરી ઝાપટીને વિજેતા બની

અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધાના આયોજકો કહે છે કે ગોલગપ્પાને નેશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરીશું

અમદાવાદ તા.૨: ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ગઇકાલે અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમામાં અભ્યાસ કરતી આરઝીન ખંભાતા એમ મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટી ગઇ હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા કલબ દ્વારા ગઇકાલે અમદાવાદમાં ગોલગપ્પા ઇટિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦ થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઇ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ઘસારો થયો હતો અને એક તબક્કે હોલના દરવાજા બંધ કરવા પડયા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઇ ગઇ હતી.

વિજેતા આરઝીન ખંભાતાએ કહ્યંુ હતું કે, ' આ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં મે બે દિવસ પાણીપૂરી ખાવાની પ્રકટીસ કરી હતી. મને પાણીપૂરી ખાવાનો બહુ જ શોખ છે.'

સ્પર્ધાના આયોજક રુઝાન ખંભાતા અને ગ્રિષ્મા ત્રિવેદીએ કહ્યું હતું કે ' મહિલાઓ માટે કંઇક અલગ કરવાનુ નક્કી કર્યુ હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યુ. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નેશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઇએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

૧ ઓગષ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપુરી સ્પર્ધાનું ઉદ્દઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઇને કર્યુ હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઓગષ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કેન્ડી આપવામાં આવી હતી.

(4:00 pm IST)