Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદના બાપુનગરમાં મહિલા આરોપી ફરાર થતા આકરી કાર્યવાહી :ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

આસિ. સબ ઇન્સ્પેકટર, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ

અમદાવાદના બાપુનગરમાં મારામારી તેમજ દારૂના કેસમાં સંડોવાયેલી એક મહિલા આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જવાને પગલે આકરી કાર્યવાહી કરાઈ છે આ ગંભીર ઘટનામાં ઝોન-પના ડીસીપી હિમકરસિંહે એક આસિ.સબ ઇન્સ્પેકટર,બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. બાપુનગર પોલીસે ચારેય પોલીસ કર્મચારીઓ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે.

  એચ ડિવિઝનના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું છે કે,બાપુનગરની માથાભારે સિતારા નામની મહિલા બુટલેગર મારામારી તેમજ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ હતી.

  બાપુનગર પોલીસે ગઇ કાલે તેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે સિતારા એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ચકમો આપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ડીસીપીને થતાં તેમણે તમામ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

(1:26 pm IST)