Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

'નિર્ભયા કેસ' જેવી ઘટનાઓ રોકવા રાજ્યની તમામ બસોમાં લગાવાશે GPS - પેનિક બટન

૧લી એપ્રિલ ૨૦૧૯થી સરકારી તથા ખાનગી બસોમાં અમલ

અમદાવાદ તા. ૨ : રાજયમાં વધતા બળાત્કાર અને મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓને પગલે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજય સરકારે ૧ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં સરકારી અને ખાનગી તમામ બસોમાં GPS સિસ્ટમ અને પેનિક બટન લગાવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ રાજયના પરિવહન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ (STB) વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આ પ્રકારના ડિવાઈસ સરકારી બસો સહિત ખાનગી ટ્રાવેલ્સની બસોમાં લગાવવાનો નિર્ણય લેવાયો છે.

ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા રેપ કેસ જેવી ઘટના રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં એક લકઝરી બસમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. આ ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા પ્રમાણે, ૨૦૧૫માં અમદાવાદમાં રેપના ૧૦૬૭ કેસ નોંધાયા હતા, જે વધીને ૨૦૧૬માં ૧૧૨૬ થયા. ૨૦૧૫માં સુરતમાં દુષ્કર્મના ૫૦૨ કેસ સામે આવ્યા હતા જે વધીને ૫૬૫ સુધી પહોંચ્યો.

STBના અધિકારીએ માહિતી આપી કે, 'સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણે સરકારી અને ખાનગી ટ્રાવેલ બસમાં GPS ટ્રેકિંગ સિસ્ટમની સાથે પેનિક બટન પણ લગાવવાના છે. જેથી કોઈપણ મુસીબતની ઘડીમાં પીડિત પેનિક બટન દબાવીને મદદ માગી શકે. પેનિક બટનનું જોડાણ સ્પેશિયલ કંટ્રોલરૂમ સાથે હશે. જયાંથી બસ ટ્રેક કરીને જે-તે વિસ્તારના સૌથી નજીકની પોલીસ કંટ્રોલ રૂમ (PCR)ની વાન તે સ્થળે પહોંચી જશે.'

ગુજરાતમાં આશરે ૨.૪૩ કરોડ જેટલા વાહનો છે. તેના માત્ર ૧૦ ટકા એટલે કે ૨૦ લાખથી વધુ વાહનો પબ્લિક ટ્રાંસપોર્ટ વ્હીકલ્સ છે. ગુજરાતમાં ૯૦૦૦ એસટી બસ છે, જેમાંથી ૨૦ ટકા બસમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવાયેલી છે. આ બસમાં લગાવાયેલા GPS સ્ટેટ ટ્રાન્સપોર્ટ કંટ્રોલરૂમ સાથે જોડાયેલા છે પરંતુ પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાણ બાકી છે. જે STB દ્વારા કરવામાં આવશે.(૨૧.૮)

(11:39 am IST)