Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પાર્કિંગ અને ટ્રાફિક ઝુંબેશ અમદાવાદ સિવાયના મહાનગરોમાં શરૂ થશે

રાજ્ય સરકારે આદેશ આપ્યા : મામલો હાઇકોર્ટ પહોંચે એ પહેલા જ પગલા શરૂ થશે

અમદાવાદ તા. ૨ : ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કર્યા બાદ અમદાવાદ શહેરમાં પાર્કિંગ અને દબાણ હટાવો ઝુંબેશ ધૂંઆધાર રીતે શરૂ કરવામાં આવી છે. તેના પરિણામે વાહનવ્યવહાર અને પાર્કિંગ ઘણા અંશે વ્યવસ્થિત થઈ શકયું છે. આ પ્રકારની જ ઝુંબેશ સુરત, રાજકોટ, વડોદરા સહિતના રાજયના અન્ય મહાનગરોમાં પણ શરૂ કરવા રાજય સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. બુધવારે સરકારે મહાનગરોના પોલીસ અધિકારીઓ અને મ્યુનિ. અધિકારીઓને તમામ શહેરમાં પાર્કિંગ, ટ્રાફિક અને દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવાના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના તમામ મહાનગરોમાં અમદાવાદ મહાનગરની જેમ જ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરી નાગરિકોને વાહન યાતાયાત અને પાર્કિંગની કોઈ સમસ્યા ન રહે અને સગવડતા મળે તે માટેની ઝુંબેશ તાત્કાલિક શરૂ કરવા આદેશો આપ્યા છે. હાઇકોર્ટે અમદાવાદ અને વડોદરા માટે આપેલી સૂચના પછી અન્ય શહેરોના મુદ્દે તંત્રને ફટકાર લગાવે એ પહેલાં જ સરકારે પાણી પહેલા પાળ બાંધી છે.

મુખ્યમંત્રીના આ આદેશોનો ત્વરિત અમલ કરવા બુધવારે મોડી સાંજે મુખ્ય સચિવ જે એન સિંહે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહના અધિક મુખ્ય સચિવ એ. એમ. તિવારી તેમજ શહેરી વિકાસના અગ્રસચિવ મુકેશ પુરીને સાથે રાખી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ આદેશોનાં ચુસ્ત અને કડક પાલન માટે સૂચનાઓ આપી હતી.(૨૧.૧૦)

(11:39 am IST)