Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

તેલીયું રાજકારણ : સંખ્યાબંધ મગફળી કૌભાંડો : પણ બધા નિર્દોષ !

કૌભાંડોની વણઝાર ફૂટી નીકળી : માત્ર માટી અને ઢેફા જ નીકળી રહ્યા છે : મોટા-મોટા ચમરબંધીઓ આઝાદ ફરી રહ્યા છે જેઓ આ કૌભાંડની ટોચ પર બેઠા છે

અમદાવાદ તા. ૨ : જેતપુર તાલુકાના પેઢલામાં મગફળીના ગોડાઉનમાં ધૂળ, પથ્થર મિશ્રિત મગફળીનું કૌભાંડ પકડાયા બાદ ફરીથી સવાલો થઇ રહ્યાં છે કે અનેક મગફળી કૌભાંડ થયા છતાં કેમ નથી પકડાતો એક પણ આરોપી. મગફળીના ગોડાઉનો ગોલમાલનું કેન્દ્ર બની ગયા હોય તેમ કૌભાંડોની વણઝાર ફૂટી નીકળી છે જેમાં માત્ર માટી અને ઢેફા જ નીકલી રહ્યાં છે. મોટા મોટા ચમરબંધીઓ આઝાદ ફરી રહ્યાં છે. જેઓ આ કૌભાંડની ટોચ પર બેઠા છે.

અત્યાર સુધી મગફળીમાં માટી અને ગોડાઉનો સળગી જવાના અનેક બનાવો બન્યા છે. આ બનાવોની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ અને શાપર અને ગોંડલની ગોડાઉનમાં આગ લાગી, તો જામનગર અને રાજકોટમાં બારદાન સળગી ગયા હતા. મહત્વની બાબત એ છે કે બનાવની તપાસ વિવિધ સરકારી એજન્સીને સોંપાઇ તો છે પરંતુ તપાસમાં હજુ સુધી કંઇ બહાર નથી આવ્યું.

સવાલ થાય કે પેઢલા સ્થિત જયશ્રી ઈન્ટરનેશનલ ગોડાઉનધારકો તાળા મારી કેમ નીકળી ગયા હતા. ગોડાઉનની તપાસ દરમ્યાન ખુલ્યું છે કે ૩૫ કિલો મગફળીમાં ૨૦ કિલો માટી ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે કૌભાંડની જાણ ત્યારે થઇ જયારે વેપારીઓ માલથી ડિલિવરી લેવા આવ્યા ત્યારે જે માલ બતાવાયો હતો તેને બદલે અન્ય ગોડાઉનમાંથી ડિલિવરી લેવા માટે જણાવાતા ત્યાં માટીના ઢેફા પડેલા જોઈ વેપારીને શંકા ગઈ હતી. વેપારીએ ગોડાઉનમાં જઈ મગફળીની ચકાસણી કરી તો તેમાંથી ૩૫ કિલોની ગુણીમાંથી ૨૦ કિલો માટી નીકળી હતી.

પેઢલાના ગોડાઉનમાં અંદાજે ૩૧ હજાર જેટલી મગફળીની ગુણીઓનો જથ્થો સચવાયેલો છે. નાફેડના ગોડાઉનમાંથી મગફળી ઉપાડવાની મંગળવારે છેલ્લી તારીખ હતી. અને તે વખતેજ નવા કૌભાંડે બારદાનમાંથી ડોકીયું કર્યું અને મળી આવી ધૂળ અને ઢેફા.

વાત એવી પણ સામે આવી કે મોટાભાગની સહકારી મંડળીઓ ભાજપના ટેકેદારો કે નજીકના હોદેદારોની છે. જેના દ્વારા ભ્રષ્ટાચાર આચરાય છે. એટલે મગફળીના કૌભાંડને છુટ્ટો દોર મળી ગયો હોય તેમ તપાસ અધિકારીઓની આંકમાં ધૂળ ફેંકી દેવાય છે. જેથી બધુજ ધૂંધળું દેખાય. આ વખતે તો હદ થઇ ગઇ જે મગફળી કૌભાંડ સામે આવ્યું તે નાફેડના ગોડાઉનમાં રહેલી મગફળીની ગુણીઓમાંથી માટી નીકળી. જેનો વિડિયો વાયરલ થતાંજ વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ નાફેડના અધિકારીઓ ગોડાઉનને તાળા મારીને રફુચક્કર થઇ ગયા હતા..

ત્યારે અનેક સવાલો થાય છે કે, કયાં સુધી ખેડૂતો સાથે થતો રહેશે દગો? ખેડૂતોને કોણ લૂંટી રહ્યું છે ? કોણ મગફળીના કૌભાંડની ટોચ પર બેઠું છે ? કોના ઇશારે મગફળી કૌભાંડને પ્રોત્સાહન મળી રહ્યું છે ? કોના ખિસ્સા ભરાઇ રહ્યાં છે ? અધિકારીઓ કેમ નાસતા ફરી રહ્યાં છે? મગફળીમાં માટી ભેળવવાનું કોણ કરી રહ્યું છે પાપ? એટલેજ હવે નાફેડની વિશ્વસનિયતા પર ઉઠી રહ્યાં છે સવાલ.(૨૧.૧૧)

 

(11:38 am IST)