Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

યુવાનો માટે મજા બની ગયેલ કીકી ચેલેન્જ પોલીસ માટે માથાના દુઃખાવારૂપઃ વડોદરામાં મહિલા કારમાંથી ઉતરીને ડાન્સ કરતી હોય તેવો વીડિયો વાયરલ

વડોદરાઃ વડોદરા શહેરમાં એક મહિલાનો આ કીકી ચેલેન્જવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. રિઝવાન મીર નામની મહિલાનો આ વીડિયો છે. મહિલાએ ચાલુ કારમાંથી ઉતરીને ડાન્સ કર્યો અને પુત્રએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતો મૂક્યો. 

વાઈરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિઝવાન મીર નામની આ મહિલા કારમાંથી ઉતરીને ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ કિકી ચેલેન્જ જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. 

કેનેડિયન રેપર ડ્રેકના ગીત 'કીકી ડૂ યૂવ લવ મી' ગીત હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. લોકો આ ગીત પર ડાંસ મૂવ્સ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. લોકોને ચોક્ક્સ આ ગીત પર ડાંસ મૂવ્સ કરવામાં આવી રહી હોય, પરંતુ પોલીસ માટે માથા દુખાવો બની ગયો છે. દેશના તમામ રાજ્યોની પોલીસ લોકોને સતર્ક કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહી છે. 

ઉત્તર પ્રદેશ, પંજાબ, મુંબઇ, દિલ્હી બાદ કેમ્પેનમાં ગુજરાત પોલીસ પણ સામેલ થઇ ગઇ છે. આ કેમ્પેનમાં લોકોને ડાંસના ખતરનાક ડાંસ સ્ટેપ ન કરવા અને રસ્તા પર સાવધાની વર્તવા માટે કહેવામાં આવ્યું છે. આજે બપોરે ગુજરાત પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે 'આવી ચેલેન્જ તમને હોસ્પિટલ અથવા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આ ચેલેંજ તમારા માટે જીવલેણ બની શકે છે. 

આ પહેલાં યૂપી પોલીસે કિલી ચેલેંજને લઇને એક ગીત સોશિયલ મીડિયા પર લખ્યું હતું. યૂપી પોલીસે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, 'ડિયર પેરેંટ્સ, કીકી તમારા બાળકને પ્રેમ કરે કે નહી પરંતુ અમે જાણીએ છીએ કે તમે જરૂર કરો છો. એટલા માટે કૃપિયા કીકી ચેલેંજને છોડીને, જીવનના દરેક પડકારોમાં પોતાના બાળકોની સાથે ઉભા રહો.'

આ એક એવી ચેલેંજ છે, જેમાં લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાંસ કરે છે. એટલું જ નહી સ્ટેપ બાદ લોકોને ચાલુ ગાડીમાં જ ફરીથી બેસવાનું હોય છે. આ ચેલેન્જનો નિયમ છે કે ડાંસ કરતાં પહેલાં અને પછી ગાડીની ગતિ 10 કિમી પ્રતિ કલાક રહેવું જરૂરી છે. આ ડાંસ કર્યા બાદ અત્યાર સુધી ઘણા લોકો ઘાયલ થયા છે અને વિદેશોમાં ઘણા લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. 

(6:27 pm IST)