Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બાવળાના કવિઠા ગામે દલિત યુવકને રાજપુત સમાજના યુવકોઅે બરમૂડો કેમ પહેર્યો છે અને મૂંછ શા માટે રાખી છે તેમ કહેતા બઘડાટીઃ સામસામા હૂમલામાં ૪ વ્‍યકિતને ઇજા

અમદાવાદઃ બાવળાના કવિઠા ગામે દલિત સમાજનો એક યુવક પાનની દુકાનમાં ગયો હતો. જ્યાં રાજપૂત સમાજના યુવકોએ તેને અટકાવીને સવાલો કર્યા કે તે કેમ બરમૂડો પહેર્યો છે અને મૂછ શા માટે રાખી છે. જોકે આ ઘટના પહેલા પણ થોડા દિવસો પહેલા જ યુવકોને બબાલ થઇ હતી અને ગઇ કાલે ફરીથી બબાલ થઇ છે. આમાં બંન્ને સમાજ આમને સામને આવી ગયા હતાં અને ચાર જણને ઇજા થઇ છે. તેમાંથી એક જણને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય ત્રણને બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ મામલે પોલીસનું કહેવું છે કે, 'દલિતોએ ફરિયાદ કરી છે કે તેમનો એક છોકરો બરમૂડો પહેરીને પાનની દુકાનમાં ગયો હતો. જ્યાં તેણે આવા કપડા કેમ પહેર્યા છે તે માટે બોલાચાલી થઇ હતી. જેમાં બંન્ને પક્ષો આમને સામને આવી ગયા હતાં. બંન્ને પક્ષોને ઇજા થઇ છે.'

હાલ આ મામલાની તપાસ ડીવાયએસપી કરી રહ્યાં છે. ઇજા પામેલા લોકો અને ઘટના સમયે ત્યાં હાજર લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ દલિતોને મૂછો , બૂટ પહેરવા બદલ તેમને માર મારવામાં આવ્યો હતો અને તેના પડધા અન્ય જિલ્લાઓમાં પણ દેખાયા હતાં. જેથી આ સંવેદનશીલ મામલાની તપાસ તકેદારી રાખીને થઇ રહી છે.

(6:26 pm IST)